(એ.આર.એલ),પાટણ,તા.૯
સરસ્વતીના અઘારમાં આવેલા સરસ્વતી તાલુકા બીઆરસી ભવનમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારી શાળાઓમાં વિતરણ કરવા માટેના ૫૦૦ થી વધુ શીલ બંધ પુસ્તકો પટાવાળા દ્વારા બારોબાર ભવનમાંથી ભંગાર વાળાને વેચી મારતા એક વાલી દ્વારા રસ્તા ઉપરથી સરકારી પુસ્તકો ભરેલ રિક્ષા પકડી ભાંડો ફોડતા શિક્ષણ વિભાગ ઉંઘતુ પકડાયું છે. હાલમાં બીઆરસી દ્વારા તાત્કાલિક પટાવાળાને નોકરીમાંથી છૂટો કરી વેચાણ કરેલા પુસ્તકો પરત લાવી ફરીથી ભવનમાં સંગ્રહિત કરાયા હતા.
સરસ્વતી તાલુકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારી શાળામાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરવા માટે સરકાર માંથી વિતરણ કરવા માટે સરસ્વતી બી.આર.સી ભવનમાં આવેલા સ્વાધ્યાય પોથી ચિત્રકલા જેવા વિવિધ પુસ્તકોનો જથ્થો પટાવાળા દ્વારા ભંગાર વાળાને બોલાવી પસ્તીના ભાવમાં વેચી માર્યો હતો. પસ્તી ભરીને પાટણ તરફ આવી રહેલ છકડો રિક્ષાને એક જાગૃત વાલી જાઈ જતા સુજનીપુર નજીક ઉભો રખાવી પૂછપરછ કરતા અને તપાસતા અંદર નવા બંડલ મારેલા સીલબંધ અસંખ્ય પુસ્તકો હોઇ શંકાસ્પદ લાગતા ઉભો રખાવી તાત્કાલિક બીઆરસી કો-ઓર્ડીનેટરને ટેલીફોનિક જાણકારી આપી છકડો રિક્ષા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને ઉભો રાખવામાં આવ્યો હતો. ઘટનાના પગલે તાત્કાલિક બીઆરસી કો-ઓર્ડીનેટર દિલીપભાઈ નાઈ સ્થળ ઉપર દોડી આવી તેમની જાણ બહાર આ પુસ્તકો વેચાણ કરવામાં આવ્યા હોય તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.બીઆરસી દ્વારા પટાવાળાને નોકરીમાંથી છૂટો કરી વેચાણ કરેલા પુસ્તકો પરત લાવી ફરીથી ભવનમાં સંગ્રહિત કર્યા.
સરસ્વતી બીઆરસી દિલીપભાઈ નાઈએ જણાવ્યું હતું કે ધો. ૧ થી ૧૨ સુધીના પુસ્તકો જેમાં સ્વાધ્યાયપોથી ચિત્રકલા જેવા પુસ્તકો વિતરણ માટે આવ્યા હતા.આ વર્ષની સંખ્યા પ્રમાણથી વધુ પુસ્તકો આવ્યા હોઇ વિતરણ બાદ વધેલા પુસ્તક પડયા હતા.પુસ્તકો મંજૂરી વગર વેચાણ કરી શકાતા નથી અમારી જાણ બહાર પટાવાળાએ આ કૃત્ય કર્યું છે. તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરી હતી જેમના આદેશ મુજબ તાત્કાલિક થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર બેજ પટાવાળા હોઇ નોટિસ આપી છૂટા કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવું ના થાય તેના માટે બીઆરસી ભવનમાં હવે પૂરતી સુરક્ષા અને તકેદારી રાખવામાં આવશે.
છકડો રિક્ષા પકડનાર બનસિંગ સોલંકીએ જણાવ્યુ હતું કે સરસ્વતી બીઆરસી ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રણજિત ઠાકોરે અઘાર ગામે શુક્રવારે સવારે પહેલા સત્રના અંદાજે ૩૦ થી ૩૫ હજારના ૫૦૦ થી વધુ બાળકોને ઉપયોગી પાઠ્યપુસ્તકો ફેરિયા કમલેશ પટ્ટણીને ઉચક પુસ્તકોનો જથ્થો ૪ હજારમાં વેચી દીધો હતો. ફેરિયો છકડો ભરીને લઈને જતો હતો. સીલ બંધ પુસ્તકો હોઇ નજર પડતા ઉભો રખાવતા તેના જવાબ જ લાગતા મને શંકા ગઈ અને પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એક તરફ બાળકોને પુસ્તકો મળી રહ્યા નથી બીજી તરફ આ રીતે પસ્તીના ભાવમાં વેચાણ કરવામાં આવતું હોય આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે.