ભારતના પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ રવિવારે અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે ઓપરેશનમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર સહિત ૧૧ શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ખૈબર જિલ્લાની અશાંત તિરાહ ઘાટી અને લક્કી મારવત જિલ્લામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓનું એક જૂથ તિરાહ ખીણમાંથી પીર મેળા થઈને આગળ વધી રહ્યું હતું ત્યારે સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા હતા. ત્યારપછી થયેલી ગોળીબારમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક કમાન્ડર પણ સામેલ છે જે જૂથનું નેતૃત્વ કરી રહ્યો હતો. બીજી ઘટનામાં, પોલીસ અને લક્કી મારવત જિલ્લામાં કાઉન્ટર ટેરરિઝમ વિભાગે શગાઈ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. એક મૃત આતંકવાદીની ઓળખ આસિફ અલી તરીકે થઈ છે, જે કુખ્યાત પ્રતિબંધિત કમાન્ડર ઈનામુલ્લા ઉર્ફે લાંબાનો નજીકનો સાથી હતો. ઈનામુલ્લાહ એક હાઈ-પ્રોફાઈલ આતંકવાદી હતો જે કથિત રીતે અનેક બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હતો.