જર જમીન અને જારું આ ત્રણેય કજીયાના છોરું…આ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ આ કહેવત જેવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દિન દહાડે સામે આવી છે. પાલનપુરની બેંક સોસાયટી વિસ્તારમાં દિન દહાડે એક યુવકની હત્યા થઈ ગઈ. ભંગારની લારી લઈ જતા એક યુવકની તેના સગા ભાઈ અને ભાભી એ જ જાહેરમાં ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. પરંતુ ઘટનાની જાણ પાલનપુર પૂર્વ પોલીસને થતા જ પૂર્વ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા મોટાભાઈ અને ભાભીને દબોચી લીધા તો થયા મોટા ખુલાસા. હવે શું છે હત્યા પાછળનું કારણ…કેમ સગા મોટાભાઈએ જ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. એવું તો શું બન્યું હતું આ બંને ભાઈઓ વચ્ચે આવો જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં મોટાભાઈનો દરજ્જા બાપ સમાન છે. નાના ભાઈ નો જન્મ થાય ત્યારે મોટો ભાઈ જ તેને આંગળી પકડી ચાલતા શીખવાડતો હોય છે. પરંતુ આ જ મોટો ભાઈ જેને નાના ભાઈને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું તે જ ભાઈ ભાઈનો હત્યારો બને તેવું સાંભળ્યું છે ખરી. જી હા આવું જ બન્યું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં… પાલનપુર શહેરના બેંક સોસાયટી વિસ્તારનો આ બનાવ છે.
પાલનપુરના જનતાનગર વિસ્તારમાં રહેતો ગોપાલ દેવીપૂજક ભંગારની લારી ચલાવી ભંગાર એકઠો કરી તેને વેચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે ગોપાલ પાલનપુરના બેન્ક સોસાયટી વિસ્તારમાં ભંગારની લારી લઈ ભંગાર એકઠું કરવા પહોંચ્યો હતો. અને તે જ સમયે રેસીડેન્ટલ વિસ્તારમાં મધ્યાહનને સમયે સુમસામ વિસ્તારનો લાભ ઉઠાવી તેનો મોટો ભાઈ અશોક દેવીપુજક અને તેના ભાભી રમીલા દેવીપૂજક બેંક સોસાયટી વિસ્તારમાં પહોંચી ગયા અને ગોપાલ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી દોડતા આવી ભંગારની લારી લઈ જઈ રહેલા ગોપાલ પર ગુપ્તી લઇ તૂટી પડ્યા. અને એક બાદ એક ગોપાલના શરીર ઉપર ગુપ્તીના ઘા ઝીંકી દીધા. જોકે મોટા ભાઈના મારથી પીડાયેલો ગોપાલ જીવન મરણ વચ્ચે જોલા ખાતો તરફડિયા મારતો રહ્યો.
જોકે ઘટનાને પગલે આસપાસ લોકો તો એકઠા થઈ ગયા પરંતુ ગોપાલને મારનાર તેના મોટાભાઈ અશોકના હાથમાં ગુપ્તી દેખી કોઈ તેને છોડાવવા વચ્ચે ન પડ્યું.આખરે અશોક તેનો બદઇરાદો પૂરો કરી નાના ભાઈને ગુપ્તીના ઘા ઝીંકી ત્યાંથી તેની પત્નીને લઈ ફરાર થઈ ગયો. જોકે તે બાદ એકઠા થયેલા લોકો લોહી લુહાણ ગોપાલને લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ગોપાલ મોતને ભેટી ગયો.
જોકે તે બાદ ઘટનાની જાણ સ્થાનિકોએ પાલનપુર પૂર્વ પોલીસને કરતા પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પૂર્વ પોલીસે ઘટના સ્થળે તપાસ કરી તો ઘટના સ્થળ નજીક જ ઘર બહાર સીસીટીવી જોવા મળ્યા જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા તો સીસીટીવી માં આખી ઘટના કેદ થઇ હતી. મૃતક ગોપાલનો મોટો ભાઈ અને ભાભી જ ગોપાલ પાછળ દોડી આવી ગોપાલને ગુપતી સહીત તીક્ષણ હથિયાર વડે મારતા નજરે પડ્યા.
જોકે તે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી ગણતરી ના કલાકોમાં જ ગોપાલની હત્યા કરવા મામલે ગોપાલ ના મોટાભાઈ અશોક અને તેની પત્ની રમીલાને દબોચી લીધા.અને તે બાદ તેમની પૂછપરછ કરી તો અશોક અને તેમના ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી જમીન અને મકાન બાબતે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. ગોપાલ અને તેના અન્ય ભાઈઓ સુખીથી રહેતા તે અશોક જોઈ શકતો ન હતો.
આ ચાલતા ઘર કંકાસમાં મોટાભાઇ અને ભાભીએ જ નાના ભાઈનું કાસળ કાઢ્યું હોવાનું ખુલતા પોલીસે અત્યારે તો અશોક દેવીપુજક અને તેની પત્ની રમીલા દેવીપુજક સામે ગોપાલની હત્યા મામલે ગુનો નોંધી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મકાન અને જમીન જેવી સામાન્ય બાબતના ઝઘડામાં ભાઈ એ જ ભાઈનું કાસળ કાઢી દેતા અત્યારે તો લોકો અશોક અને રમીલા પર ફિટકાર વરસાવી રહ્યા છે.