વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્રને રૂ. ૧૧,૨૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપી હતી. આમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન પણ સામેલ છે. વડાપ્રધાને ૨૬ સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ વરસાદના કારણે તેમની પુણે મુલાકાત રદ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ,વડાપ્રધાને રવિવારે બપોરે વિડિયો કોન્ફરન્સિગ દ્વારા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ (તબક્કો-૧) પુણે મેટ્રો વિભાગના ઉદ્ઘાટન સાથે પૂર્ણ થયો હતો. ડિસ્ટ્રીક્ટ કોર્ટથી સ્વારગેટ વચ્ચેના અંડરગ્રાઉન્ડ સેક્શનનો ખર્ચ અંદાજે રૂ. ૧,૮૧૦ કરોડ છે. વડાપ્રધાને સ્વારગેટથી કાત્રજ એક્સટેન્શનનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ માટે લગભગ રૂ. ૨,૯૫૫ કરોડનો ખર્ચ થશે.
તેમણે ભારત સરકારના રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ ૭,૮૫૫ એકર વિસ્તારને આવરી લેતો એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ બિડકિન ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ રાષ્ટ્રીને સમર્પિત કર્યો. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ વિકસિત પ્રોજેક્ટ મરાઠવાડા ક્ષેત્રમાં વાઈબ્રન્ટ ઈકોનોમિક હબ તરીકે અપાર સંભાવના ધરાવે છે.
વડાપ્રધાને સોલાપુર એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું, જે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે અને સોલાપુરને પ્રવાસીઓ, વેપારી પ્રવાસીઓ અને રોકાણકારો માટે વધુ સુલભ બનાવશે. તે જ સમયે, પીએમ મોદીએ ભીડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની પ્રથમ કન્યા શાળાના સ્મારકનો શિલાન્યાસ પણ કર્યો.