રાજુલા-જાફરાબાદ પંથકના દરિયા કાંઠે ઉદ્યોગો માટે યોજાતી લોકસુનાવણીઓમાં ભુતકાળમાં અનેક વિરોધ નોંધાયા છે. ત્યારે આજે સવારે ૧૧ વાગે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ એપીએમ ટર્મિનલ પોર્ટના વિસ્તરણ અને આધુનીકરણ માટેની સૂચિત પરિયોજના પ્રોજેકટ કેટેગરી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકસુનવણી યોજવામાં આવશે. જેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો પોતાની રજૂઆતો કરી શકે છે. તે માટે પીપાવાવ પોર્ટ એડમીન બિલ્ડીંગ સામે ખુલ્લા પ્લોટમાં સવારે ૧૧ વાગે યોજવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સ્થાનિક શિયાળબેટ વાસીઓ અને માછીમારોને અગવડ પડતી હોવાને કારણે ભારે વિરોધ સાથે રોષનો માહોલ છે. આજે શિયાળબેટ, રામપરા, ભેરાઈ, ઉંચૈયા સહિતના ગ્રામજનો રોષ સાથે ઉમટી પડશે. આ તકે પર્યાવરણ પ્રેમીઓ, સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવશે. આ વિરોધના વંટોળમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક આઈપીએસ, બે ડીવાયએસપી અને ર૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ સુનવણીના સમયે તૈનાત રહેશે. સાથોસાથ પીપાવાવ પોર્ટના અધિકારીઓ પણ હાજર રહેશે.