રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વ્હાઇટ હાઉસે મોટા સમાચાર આપ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન સાઉદી અરેબિયામાં થયેલી વાતચીતમાં અલગથી સંમત થયા હતા કે તેઓ કાળા સમુદ્રમાં જહાજા પર લશ્કરી હુમલા નહીં કરે. સમાંતર નિવેદનોમાં, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે દરેક દેશ “સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા, બળનો ઉપયોગ દૂર કરવા અને કાળા સમુદ્રમાં લશ્કરી હેતુઓ માટે વાણિજ્યિક જહાજાના ઉપયોગને રોકવા” માટે સંમત થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની વિડિઓ મીટિંગ પછી આ કરાર થયો હતો જેમાં બંને નેતાઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા કરી હતી. આ કરાર પહેલા, રશિયા અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં અનેક તબક્કાની વાતચીત થઈ હતી અને ટ્રમ્પ અને પુતિને વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા અને યુક્રેન સાથે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે કાળા સમુદ્રમાં યુદ્ધવિરામ લાગુ કરશે અને યુક્રેનના ઊર્જા માળખા પર હુમલાઓને અટકાવશે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા હવે રશિયાને વૈશ્વીક કૃષિ અને ખાતર બજારોમાં ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરશે અને કાયમી શાંતિ વાટાઘાટો વિશે પણ વાત કરશે.
અમેરિકા અને રશિયાએ ૨૩ થી ૨૫ માર્ચ દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધમાં દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી, જે દરમિયાન બંને દેશોએ કાળા સમુદ્રમાં સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા, બળનો ઉપયોગ નાબૂદ કરવા અને લશ્કરી હેતુઓ માટે વાણિજ્યિક જહાજાનો ઉપયોગ અટકાવવા સહિતના અનેક મુખ્ય મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ રશિયાના કૃષિ અને ખાતર નિકાસને સરળ બનાવવામાં મદદ કરશે, જેમાં દરિયાઈ વીમા ખર્ચ ઘટાડવામાં મદદ કરીને અને બંદરો અને ચુકવણી પ્રણાલીઓમાં વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરીને સમાવેશ થાય છે.