યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને તેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવશે. પેરિસમાં એક મુલાકાત દરમિયાન ઝેલેન્સકીની ટિપ્પણીઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની તબિયત અંગેની અટકળો વચ્ચે આવી છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઝેલેન્સકીએ કહ્યું, ‘તે (પુતિન) જલ્દી જ મૃત્યુ પામશે અને આ હકીકત છે. પછી આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે.
છેલ્લા ઘણા મહિનાઓથી રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને અટકળો અને અફવાઓ ચાલી રહી છે. રશિયન નેતાનો સતત ઉધરસ અને હાથ-પગમાં ધ્રુજારીનો વીડિયો સામે આવ્યા બાદ આ અફવાઓએ વધુ વેગ પકડ્યો છે.૨૦૨૨ માં, એક વીડિયો સામે આવ્યો જેમાં પુતિન તેના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ દરમિયાન તે તેની સામે ટેબલ પકડીને તેની ખુરશી પર નમીને બેઠો હતો.ઘણા અહેવાલો એ પણ કહે છે કે પુતિન પાર્કિન્સન રોગ અને કેન્સરથી પીડિત છે. જા કે, આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી અને ક્રેમલિને પણ આ દાવાઓને નકારી દીધા છે.
મીડિયા સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ રશિયા પર શાંતિના પ્રયાસો છતાં ‘સંઘર્ષને લંબાવવાનો’ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, ‘રશિયા ઈચ્છે છે કે આ યુદ્ધ ચાલુ રહે. તે તેને લંબાવી રહ્યો છે. આપણે રશિયા પર દબાણ લાવવાની જરૂર છે જેથી યુદ્ધ ખરેખર સમાપ્ત થાય.
ઝેલેન્સકીએ પુતિનના સ્વાસ્થ્ય અને રશિયા-યુક્રેન યુદ્ધ વિશે એવા સમયે ટિપ્પણી કરી હતી જ્યારે યુક્રેન અને રશિયા ૩૦ દિવસ માટે ઉર્જા લક્ષ્યો પર હુમલા રોકવા માટે સંમત થયા છે. અમેરિકાએ બંને દેશોને આંશિક યુદ્ધવિરામ માટે રાજી કર્યા હતા. જાકે, બંને દેશો વચ્ચે ડ્રોન હુમલા હજુ પણ ચાલુ છે.
યુક્રેનનું કહેવું છે કે રશિયાએ આ અઠવાડિયે ૧૧૭ ડ્રોન હુમલા કર્યા છે, જેમાં ઝેલેન્સકીના વતન ક્રીવી રિહ પરનો એક પણ સમાવેશ થાય છે. બીજી તરફ, રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેને ક્રિમીઆમાં ગેસ સંગ્રહ સુવિધાઓ, કુર્સ્ક અને બ્રાયન્સ્ક પ્રદેશોમાં ઊર્જા માળખા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે નવ યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો છે.