રાજકોટ ડબલ મર્ડર કેસના ત્રણ આરોપી પેરોલ પર છૂટી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. ત્યારે રાજકોટ શહેરની પેરોલ સ્કવોડની ટીમે બાતમીના આધારે કોડીનારની જંત્રાખડી શેરીમાંથી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને ઝડપી લઇ રાજકોટ જેલ હવાલે કરેલ છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા કૈલાશ પાર્ક શેરી નંબર ૧૦ માં રહેતા હકાભાઇ ગગનજીભાઈ સોહલા અને તેના પિતા ગગનજીભાઈ મુરલીધર ચોક પાસે ઉભા હતા. ત્યારે આરોપી સુલતાન જાવેદ, રાજા જાવેદ સહિત ચાર શખ્સોએ મશ્કરી કરી છરી ઝીંકી હત્યા કરી હતી. આ ચકચારી ડબલ મર્ડરની ઘટનામાં જેલમાં રહેલા પિતા પુત્ર પેરોલ પર છૂટ્યા હતા અને સમય મર્યાદા મુજબ જેલમાં હાજર થવાને બદલે નાસતા ફરતા હતા. પોલીસે બાતમીનાં આધારે આરોપીઓ મોહમ્મદ હુસૈન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર, મહમદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નજીર મોહમ્મદ, જાવેદ મુસા મુસાભાઇ મેમણ અને જાવેદ મુસાભાઇ કામદારને દબોચી લઈ રાજકોટ જેલ હવાલે કરેલ છે.