લીલીયા તાલુકાના લીલીયાથી અંટાળીયા જવાના માર્ગ પર એક મોટું વૃક્ષ અચાનક ધરાશવ્યી થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડાને કરવામાં આવી હતી. પીઆઈ ગીડાએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સિધ્ધરાજસિંહ, સી.બી. ટીલાવત, દિલીપભાઈ ખૂંટ અને પ્રકાશભાઈને ઘટનાસ્થળે રવાના કર્યા હતા. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પર પડેલા વિશાળ વૃક્ષને તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. માર્ગને તાત્કાલિક ખુલ્લો કરવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના પરિણામે થોડા જ સમયમાં લીલીયા-અંટાળીયા માર્ગ પર વાહન વ્યવહાર ફરીથી શરૂ થઈ શક્યો હતો, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી ન હતી. લીલીયા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.