અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી પણ આવી જ રહી છે. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વીજ જોડાણો કાપવાનું કામ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી ટોરેન્ટ પાવરની ટીમ ગેરકાયદેસર વીજ જોડાણો કાપવા પહોંચી હતી. વ્યક્તિગત બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેને લઈને છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો ઘણા પરત જવા ભાગવા લાગ્યા છે. આજે અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસ તપાસ દરમિયાન ૧૦૦થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે.
આ આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ ૫૫૦થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેમના પોલીસ વિરીફિકેશનની પણ તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો બે થી ત્રણ જગ્યાએ થી ડિપોર્ટ થયા બાદ અહીં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
૧૫૦ થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડને લઈને પણ કાર્યવાહી થવાની સંભાવના છે. ગેરકાયદે રહેતા લોકો કેટલા સમયથી અહીં રહે છે, કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તો બીજી તરફ વડોદરામાં ૨૬ એપ્રિલના રોજ મોડી રાત્રીના ૨.૧૫ વાગ્યાના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર આવતા તેમાં ચેકિંગ કરાયું હતું, ત્યારે પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા. જેમાં પતિ-પત્ની તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને ડીટેઇન કરીને હાલ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.