ચૂંટણી પસંદગી પ્રક્રિયા છે. સારા વચ્ચેથી વધુ સારાની, નઠારા વચ્ચેથી સારાની, નઠારાઓ વચ્ચેથી ઓછા નઠારાની પસંદીગીની આ કવાયત છે. એ મુદ્દાઓ હોય, વાયદાઓ હોય, પક્ષ હોય કે વ્યક્તિ હોય. પસંદગી જયારે કોઈ વ્યક્તિને સીધી અસર નથી કરતી હોતી, ત્યારે તેમાં થોડી લચકતા આવે છે. મીર્ઝાપુરી લોટાની જેમ ગબડતી રહે છે. આ ડોલનને પોતાની તરફે કરવાનું નામ ચૂંટણી પ્રચાર છે. રાજકીય પક્ષો જાણે છે કે જે વંડી ઉપર બેઠો છે તે વંડીની ગમે તે બાજુ ઉતરી શકવાની સગવડ કે શક્યતા ધરાવે છે. મોટાભાગે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મતદાર પોતાનો અભિપ્રાયનો પીંડ બાંધતો રહે છે. સરકારની કે વિપક્ષની ગતિવિધિઓ પર નજર રાખીને એ એમ કરે છે. એક ભાગ એવો રહે છે જે પોતાનો મત ઝટ દઈને બાંધતો નથી કે બાંધી શકતો નથી. ચૂંટણીના છેલ્લા દિવસ સુધીના બધા હરીફોના પ્રલોભનોને છાબડે મૂકીને એ મતદાનની લાઈનમાં ઉભો રહે છે. બધાને ગૂંચવી નાખવા તેની ફિતરત હોય છે. પ્રલોભનો પ્રમાણે એની પસંદગી પણ બદલાતી રહે છે. એ સિવાય બે વર્ગ છે જે ઉમેદવારને મત આપવાનો છે અને જે નથી આપવાનો, એટલે કે સામે આપવાનો છે. આ બંને વર્ગ વિશે ઉમેદવાર કે પક્ષ નિશ્ચિંત રહે છે, તેમાં બીજી કોઈ શક્યતા મોટેભાગે રહેતી નથી.
આ બધાની ઉપર હોય છે એક સર્વ સ્વીકૃત ચહેરો. જેના આધારે મત મળે છે કે મત તૂટે છે. એક નેતા હોય છે જેની કારકિર્દી મત આધારે ટકી રહી હોય છે, જે મતદારનો મોહતાજ હોય છે. અને એક મતદાર હોય છે જે ચોક્કસ લીડરને મત આપવા જતો હોય છે, જેની લોકશાહીની આસ્થા એ લીડર આધારે ટકી રહી હોય છે. જેમ હિન્દુસ્તાનની આઝાદી બાદ જે દેશના અધિનાયકો હતા એ દેશની આઝાદી માટે જેલ જઈને આવેલા હતા. એણે દેશની ધુરા સંભાળતા પહેલા પોતાની રાષ્ટ્રભક્તિ સિદ્ધ કરી હતી. ભલે આજે તેઓ તેમના ત્યારના નિર્ણયોને લઈને આજે ચર્ચામાં હોય, પણ ત્યારે એ જનનાયકો હતા. આજના નાયકોનું જેલ જવાનું કારણ અલગ છે. તેઓ કાં તો ભ્રષ્ટાચાર સબબ જેલ જાય છે અથવા તો જામીન પર છે. જેલમાં જવાનું અન્ય કોઈ પવિત્ર કારણ દેશમાં રહી ગયું નથી. અંગ્રેજીમાં ઠગ શબ્દ હિન્દુસ્તાનની દેણ છે. એ ઉપરથી અંગ્રેજોએ ઠગોક્રસી શબ્દ બનાવ્યો છે એવું બક્ષી બાબુ લખી ગયા છે.
જેમ રામસેતુ બનાવતી વખતે રામના નામે પથરા તર્યા હતા. એમ દરેક કાળમાં એક મહાન અધિનાયક, કર્ણધારની છાયામાં ત્રીજી ચોથી હરોળના આગેવાનો તરી જાય છે. પ્રજાની પણ એ મજબૂરી હોય છે કે એ નાયકને જીતાવવા માટે આ છગ્ગું પંજુને જીતવવો જરૂરી હોય છે, કારણકે એ જીતનું નિષ્પન્ન રામસેતુ હોય છે. જયારે દેશ રામસેતુ જેવા પવિત્ર કારણ સબબ આગેવાનની પસંદગી કરે છે ત્યારે દેશ જીતે છે. એ પસંદગીની આડમાં તરેલા પથરા પણ રામસેતુનો જ હિસ્સો બને છે. એટલે સુત્રધાર રામ હોય એ જરૂરી છે. નાયક, જે પોતાનો રુખ સ્પષ્ટ રાખે, નાયક, જે પોતાની દિશા અને દાનત ખુલ્લી રાખે. પ્રજા સમક્ષ આવતા હથેળીઓ ખુલ્લી રાખે.
સારા કે ખરાબ લીડરની પસંદગી આખરે તો મતદાર જ કરે છે. અપક્ષ ઉભા રહીને પક્ષો સાથે સોદાબાજીમાં ઉતરતો ઉમેદવાર, આગલી રાત્રે પોટલી દારૂ પીને બીજી સવારે દારૂ પાનાર માટે મત કરતો મતદાર પાકટ લોકશાહી પર ઝળુંબતા રોકડા જોખમ છે. દર ચૂંટણી ટાણે એક ક્રૂર મજાક વહેતી થાય છે કે એક મતદાર ઈ.વી.એમ. પાસે ઉભો રહીને માથું ખંજવાળતો હોય છે, ચૂંટણી ફરજ પરનો કર્મચારી એમ કરવાનું કારણ પૂછે છે ત્યારે એ મતદાર કહે છે કે ભૂલી ગયો કે મત આપવા માટે કાલે કોણે દારૂ પાયેલો. એણે પોટલી દારુ સાટે ઝમીર વેંચી દીધું છે. ઈ.વી.એમ. સામે ચાંપ દબાવવા ઉભેલો મતદાર જેટલી માનસિક સ્વસ્થતા ધરાવતો હશે, જેટલી નિષ્પક્ષ પસંદગીની વિવેકબુદ્ધિ ધરાવતો હશે, પોતાનું અને ભારતનું ભાવિ જોઈ શકતો હશે તેટલી સંસદ મજબૂત અને કાર્યક્ષમ સદસ્યોથી ભરેલી મળશે.
હિન્દુસ્તાનમાં એક એવો વિચિત્ર વર્ગ છે જે મતદાન કરવા નથી જતો. વળી પોતે મતદાન નથી કરતો એવી નપુંસક ઉપલબ્ધી જાહેરમાં પણ ગણાવતો ફરે છે. એ વર્ગ ટોઇલેટ કલીનરની જાહેરાતમાં જે જીવિત રહી જતો એકાદ ટકો કીટાણું જેવો છે. જેને દેશમાં ઘટતી દરેક ઘટના સામે વાંધો કે પક્ષપાત છે. દરઅસલ આ નકારાત્મક વિચારસરણીથી ગ્રસિત પીડિત મનોદશા ધરાવતો વર્ગ છે જેને લંગર કે સદાવ્રતના ભોજનમાં પણ મીઠું ઓછું લાગે છે. ફરિયાદ કરવી એમનો સિદ્ધ અધિકાર છે. એ વોટ પણ એટલે નથી આપતો કારણકે એમના મતે કોઈ સારું નથી. સરકાર રચવામાં કોઈ હિસ્સેદારી નહિ હોવા છતાં સૌથી વધુ અસંતોષ એને જ હોય છે. અશિક્ષિત કે અજ્ઞાની હોય તો એક સ્તરે સ્વીકાર્ય પણ છે, પરંતુ ભારતમાં શિક્ષિત અને બૌદ્ધિકોનો પણ ખાસ્સો મોટો વર્ગ લોકશાહીના આ દ્રઢીકરણ પર્વમાં હિસ્સો નથી લેતો. જેટલું મતદાન વધુ જનાદેશ તેટલો પરિપક્વ અને પારદર્શક ગણી શકાય. એકંદરે સીતેર ટકા વોટીંગ થાય અને તેમાંથી પિસ્તાળીસ ટકા ધરાવતા પક્ષને બહુમતી મળે તે કરતા એંસી ટકા મતદાને પિસ્તાળીસ ટકા ધરાવતો પક્ષ બહુમતી મેળવે તો એ જનાદેશ તેટલો બહોળો થયો. જનતાની વ્યાપક ભાગીદારી લોકશાહીને તેટલી મજબૂત બનાવે છે. મતદાન ગોપનીય સાથે પવિત્ર સાથે ફરજ પણ છે. જે વોટ નથી કરતો એણે પછીથી સરકારની કોઈ નીતિ નિર્ણયની ટીકા કરવાનો નૈતિક અધિકાર નથી રહેતો.
ક્વિક નોટ — સિંહના ટોળા માટે શબ્દ છે, ‘અ પ્રાઈડ ઓફ લાયન્સ’, અને ઘૂવડોના ટોળા માટે શબ્દ છે, ‘અ પાર્લામેન્ટ ઓફ આઉલ્સ’. આ બાબતમાં અંગ્રેજી ભાષા વાસ્તવિકતાથી ઘણી નજીક છે.