રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, તેથી દિલ્હી સરકારે તેને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સરકારે જૂના વાહનો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. જે અંતર્ગત હવે જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. દિલ્હીમાં ૧૫ વર્ષથી વધુ જૂના ૫૫ લાખથી વધુ વાહનો છે. પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ૨૦૨૪ થી, દિલ્હીમાં ૧૦ વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. આ વાહનોમાં ટ્રક, કેબ, કાર, મોટરસાયકલ અને ઓટો રિક્ષાનો પણ સમાવેશ થાય છે. જાહેર સ્થળોએ આ વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમાં ઘરની બહારની જગ્યાનો પણ સમાવેશ થાય છે.
વાહન માલિકો આ વાહનો ફક્ત તેમની ખાનગી પાર્કિંગ જગ્યામાં જ પાર્ક કરી શકશે જે શેર કરેલ પાર્કિંગ જગ્યા નથી. જા દિલ્હીમાં જાહેર સ્થળોએ આ જૂના વાહનો દોડતા અથવા પાર્ક કરેલા જોવા મળે, તો તેમને જપ્ત કરી શકાય છે. આ ઉપરાંત ૫ હજાર અથવા ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ સાથે, આવા વાહનો માટે પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પણ ઉપલબ્ધ રહેશે નહીં.
સરકારે પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક જામમાં ઘટાડો અને માર્ગ સલામતી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પરિવહન વિભાગ, દિલ્હી ટ્રાફિક પોલીસ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સીલ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ આવા વાહનો જપ્ત કરી શકે છે. દિલ્હી સરકારે જૂના વાહનોના સંચાલન અંગે માર્ગદર્શિકા જારી કરી છે. દિલ્હી સરકારના આ આદેશથી રસ્તાઓ પર દોડતા જૂના વાહનો પર અસર પડશે.
પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ૧૦ વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો, ૧૫ વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો હવે રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ચાલી શકશે નહીં અને ન તો જાહેર સ્થળોએ પાર્ક કરી શકશે. સરકારે આ શ્રેણીમાં આવતા ૫૫ લાખથી વધુ વાહનોની યાદી તૈયાર કરી છે અને તેને પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી છે.આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકારના આ નિર્ણય પછી વાહન માલિકો પાસે કયા વિકલ્પો છે, તો ચાલો તમને જણાવી દઈએ કે તેમની પાસે ૩ વૈકલ્પીક વિકલ્પો ઉપલબ્ધ છે. સરકારે આ વાહનો રાખવા અથવા નિકાલ કરવા માટે ૩ વિકલ્પો આપ્યા છે.
૧. તેને ખાનગી પાર્કિંગમાં સુરક્ષિત રીતે રાખોઃ જો વાહન માલિક વાહન રાખવા માંગે છે તો તેને ફક્ત તેના ખાનગી પરિસરમાં જ પાર્ક કરવું જોઈએ. તે વાહનોનું શેર કરેલ કે જાહેર પાર્કિંગ ન હોવું જોઈએ.
૨. બીજા રાજ્યમાં શિફ્ટઃ વાહન માલિકો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને એક વર્ષની અંદર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની બહાર તેમના વાહનો શિફ્ટ કરી શકે છે.
૩. વાહનને સ્ક્રેપ કરોઃ વાહનને અધિકૃત સ્ક્રેપિંગ સેન્ટર દ્વારા સ્ક્રેપ કરી શકાય છે. આ માટે, વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ એપ્લીકેશન પોર્ટલનો ઉપયોગ કરો. સ્ક્રેપિંગ પછી નવા વાહનની ખરીદી પર મોટર વાહન કરમાંથી મુક્તિ આપવામાં આવશે.
જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને જપ્ત કરી શકાય છે. આ સાથે, વાહન માલિક પર ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, ટૂંક સમયમાં આવા જૂના વાહનોને પેટ્રોલ પંપ પરથી ઇંધણ પણ મળશે નહીં.