રાજાના દરબારમાં મંત્રીઓ હોય છે જે રાજાને રાજ્ય વહીવટમાં માર્ગદર્શન આપતા હોય છે. ક્યારેક અઘરા પ્રશ્નો આવે ત્યારે નિર્ણય કે ન્યાય કરતા પહેલા રાજા પોતાના અંગત મંત્રીઓની સલાહ લેતા હોય છે. આવું રાજાશાહીમાં ચાલતું હતું. ક્યારેક તો રાજા જ એટલા નિષ્ણાત હોય છે કે મંત્રીઓની અંગત સલાહ કદાચ લેતા હોય કે ન હોય એની ખબર પડતી નથી. કારણ કે બધું બરાબર ચાલે છે એવા અહેવાલ અને અભિપ્રાય આપીને સૌ પોત પોતાનું સામ્રાજ્ય ચલાવવા સક્રિય હોય છે. ખરેખર તો રાજ્ય વહીવટમાં મદદરૂપ થવા માટે મંત્રીઓની નિમણૂક ભૂતકાળથી ચાલી આવતી પરંપરા છે. હવે આ મંત્રી કે પ્રધાનોના બે પ્રકાર હોય છે. એક માત્ર રાજાને સારું લાગે એવુ જ કહેતા હોય છે અને બીજો પ્રકાર કે જે સારું નહિ પણ સાચું કહેતા હોય છે. ઘણીવાર રાજાના સ્વભાવ પ્રમાણે મંત્રીઓ સલાહ આપતા હોય છે. જો રાજાને માત્ર ખુશામતખોરી પસંદ હોય તો પ્રધાનો પણ એ પ્રમાણે માત્ર જી હજુરી કરીને ખાલી ખોટા વખાણ કરે છે.૫ણ રાજા જ સાચી અને સત્ય હકીકતના આગ્રહી હોય તો પ્રધાન સાચી હકીકત કહી શકે. એનાથી ઉલટું રાજા સાચું નિદાન કરવા આતુર હોય પણ ઘણીવાર નીજી સ્વાર્થ ખાતર પ્રધાન એવું વિચારે કે જો તે સાચું કહેશે તો રાજા ખફા થશે અને પોતાનું સ્થાન જોખમાશે એના કરતાં રાજાને કંઈ ખોટું લાગે એવું કહેતા નથી અને માત્ર સારી સારી વાતો કરીને રાજાને ફૂલ ચડાવે છે. જેનાથી રાજાને એમ લાગે કે રાજ્યમાં બધા ખૂબ સુખી છે અને આપણા શાશનથી બધાને સંતોષ છે. લોક દરબાર ભરીને પ્રજાના પ્રશ્નો સાંભળવાનો પ્રયાસ કરે ત્યાં ઊભા કરેલા લોકો સારી સારી વાતો કરીને વખાણ કરી જાય અને મૂળ પ્રજાના અસલ પ્રશ્નો અકબંધ પડ્‌યા રહે એવો ઘાટ ઘણીવાર ઘડાતો હોય છે અને આવું દરેક કાળ અને શાસનમાં થતું હોય છે. ક્યારેક તો મૂળ પ્રશ્નને મારી મચડીને વાતને બેખુબી ડાયવર્ટ કરી દેવામાં આવતી હોય છે. હાજર રહેલા બધા જાણતા હોય છતાં કોઈ આંખે થવા તૈયાર નથી હોતું. દરેક પોત પોતાનું સ્થાન કે અસ્તિત્વ જાળવવા હામાં હા કરતા હોય છે. અને અનેક સાર્વજનિક અને પાયાના પ્રશ્નો જેમના તેમ વણઉકેલ્યા રહી જાય છે. રાજા અને પ્રધાન પ્રતીક સ્વરૂપ છે પણ આવું દરેક સંસ્થા, સમાજ, સંગઠન, ટ્રસ્ટ, પક્ષ, કુટુંબ, પરિવાર, સોસાયટી કે શેરી મહોલ્લામાં દરેક દેશ કાળમાં બનતું જોવા મળે છે. ક્યારેક તો એવું બને કે અન્યાય કે ખોટી વાત સાંભળીને સહન કરનાર કે શાંત બેસી રહેનાર હોશિયાર ગણાય છે અને સાચું બોલનાર કે અન્યાય સામે અવાજ ઉઠાવનાર ને મુરખ, ગાંડો ગણીને સૌ વગોવી નાખતા હોય છે. આવું કરવાથી પ્રશ્નો ઉકેલાતા નથી પણ એને સિફતપૂર્વક ઢાંકી ઢુંબી દેવામાં આવે છે અને આવા વરવા દૃશ્યો ઇતિહાસમાં બનેલા છે એવુ નથી. વર્તમાનકાળમાં આધુનિક યુગમાં પણ બની જ રહ્યા છે. શાસકો પણ પોતાની સત્તા ટકાવી રાખવા માટે પ્રજાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાના બદલે તાત્કાલિક દર્દને દબાવી દે તેવી દર્દનાશક દવાની જેમ આયુર્વેદિક સચોટ ઉપચારને બદલે સ્ટીરોઇડના હાઇ ડોઝનો સહારો લેતા હોય છે. દંભ, દેખાડો, ભભકો અને માર્કેટિંગ એ આજના સમયમાં બિઝનેસની સફળતાનું સૂત્ર છે અને હવે તો લોકોમાં એવી ધારણા બંધાઈ રહી છે કે ઘણીવાર તો અસલી અને શુદ્ધ પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ એનો કોઈ વિશ્વાસ કરતા નથી અને અસલીની આડમાં નકલી ધૂમ મચાવે છે. માર્કેટનો સિનારીયો એવો છે કે સૌને અસલી અને ઓર્ગેનિક, પ્યોર અને પૌષ્ટિકના લેબલ મારવા પડે છે. જાહેરાતોનું જોર લગાવે તેનો વેપાર ધૂમ મચાવે છે. નકલી વસ્તુ અને ખોટા લોકો અસલી વસ્તુ અને સાચા લોકોને ડરાવે છે એના પર હાવી થઈ જાય છે. ચારેકોર સત્તાની જ ચર્ચા થાય. અસલ પ્રશ્નો પર જૂઠી જબાન બનાવટી નિરાકરણ લાવીને લોક જુવાળને જીવંત રાખવા નીત-નવા ગતકડાં લાવીને પ્રજાને એમાં રચ્યા-પચ્યા રાખવા રીતસરના અભિયાન ઉપાડવાના કોન્ટ્રાક્ટ અપાતા હોય એવું લોકમુખે છાનેખૂણે સંભળાય પણ જાહેરમાં બોલવાની હિંમત કરનારને ગમે તે રીતે હેરાન કરાય એ વરવી વાસ્તવિકતા છે. સમયાંતરે નકલી ખાદ્ય પદાર્થો, નકલી દવાના અને જીવન જરૂરી વસ્તુઓમાં ભેળસેળના પર્દાફાશ થાય છે ત્યારે લોકોને શું સમજવું? ક્યાં જવું? કોના પર ભરોસો મૂકવો? આવી ઘટનાઓને સારી ગણવી કે ખરાબ એ મૂંઝવણ ઊભી થાય. ઘડીભર માની લો કે નકલી અને ભેળસેળવાળું પકડાય તે સારી કામગીરી ગણાય પણ બીજી રીતે વિચારો તો આવા કૌભાંડ કેટલા પ્રમાણમાં અને કેટલા વર્ષોથી ચાલતા હશે અને કેટલાય લોકો ભોગ બન્યા હશે એ ચિંતાનો વિષય છે. કારણ કે નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી અધિકારી અને નકલી ઓફિસો ખોલવા સુધી લોકો સાહસ કરતા થઈ જાય ત્યારે સામાન્ય લોકો માટે સહન કરવા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય. પ્રજા હિતમાં સાચું બોલે કે લખે એ દંડાય છે અને એ જ વ્યક્તિ જો આ ભેળસેળની વહેતી
ગંગામાં ડૂબકી મારે તો ફરી પવિત્ર થઈ જાય છે.અને પ્રજાના પ્રશ્નો સાંભળવા સભા સરઘસમાં ટૂંકા ગાળાનું નેતૃત્વ કરવા લાગી જાય છે. ફરી થોડા સમયમાં દ્રાક્ષ ખાટી થઈ જતાં વાર પણ લાગતી નથી. જેમ આ જગતમાં સજીવ ચક્ર, આહાર કડી ચાલે છે એમ જ સત્તા ચક્ર ચાલે છે. બધી નદીના નિર અંતે સમુદ્રમાં સમાઈ જાય છે એવું જ સત્તાચક્રમાં ચાલ્યા કરે છે. સારાને સાચું કહેવું એ સારી વાત ગણાય છે પણ ખોટને ખોટું કહેવું એ પણ ખોટી વાત નથી. શબ્દ એક હોય પણ એના અર્થ અનેક હોય છે.વ્યક્તિ અનેક હોય પણ એના વિચાર જુદા જુદા હોય છે. જ્યારે જુદા જુદા વ્યક્તિના વિચાર એક થાય છે ત્યારે સામાજિક ક્રાંતિના માધ્યમથી રાજકીય ક્રાંતિના મંડાણ થાય છે. આઝાદીના મૂળમાં આવી ક્રાંતિ જ કામ કરી ગઈ હતી. જ્યારે જ્યારે શોષણ એની મર્યાદાઓ ઓળંગી જાય ત્યારે ત્યારે મોટા પરિવર્તનો આવતા હોય છે. અંતે પ્રજા વીફરે અને વિદ્રોહ કરે ત્યારે ભલભલા તાનાશાહોને ઝુકવું પડે છે એ સનાતન સત્ય છે અને ઇતિહાસ એની સાક્ષી પુરે છે. એટલે જ એવું કહેવાયું છે કે “સિતમ જો હદ વટાવે નહિ તો આંદોલનો થતાં નથી, વિના કારણે આ જગતમાં આંદોલનો થતાં નથી.”