પ્રાકૃતિક ખેતીની જતુંનાશક દવા એટલે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિ અસ્ત્ર. આ પ્રાકૃતિક શસ્ત્રના ઉપયોગથી, ચૂસિયા પ્રકારની અને મોટી જીવાતો, નાની ઈયળો, કીટકો વગેરેથી પાકને સંરક્ષિત રાખી શકાય છે. ખેડૂતો પ્રાકૃતિક પદાર્થોથી તૈયાર થતી આ દવાઓ ઓછાં ખર્ચે અને ઘરબેઠાં તૈયાર કરી શકે છે. રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. ઝેરયુક્ત રસાયણિક ખાતરોના ઉપયોગ વગર દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની સાથે સાથે પ્રાકૃતિક પદાર્થો યુક્ત દવાઓના ઉપયોગ વાળી કૃષિ કરી અને ખેત ઉપજ વધી શકે છે અને તે સાથે ખર્ચમાં ઘટાડો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં જેમ ખાતરની દવાઓ બની શકે છે તેમ પ્રાકૃતિક
પદાર્થોની મદદથી ઘર બેઠાં રાસાયણિક દવાઓના વિકલ્પ જાતે બનાવી શકાય છે. નજીવા ખર્ચે બનતી આ દવાઓ લગભગ વિનામૂલ્યે તૈયાર થઈ શકે છે. થોડી મહેનત થકી આ દવાઓ તૈયાર થઇ શકે અને ખેતરમાં હોય તે ઉભા પાકને જીવાતોથી બચાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના અસ્ત્ર નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્રઅને અગ્નિ અસ્ત્ર દ્વારા જીવાતોનું સંક્લીત વ્યવસ્થાપન કરી શકાય છે.
– નિમાસ્ત્ર (ચૂસિયા પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે): ૨૦૦ લિટર પાણી, ૧૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ, ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોળી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાંયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને તેનો ઉપયોગ કરવો.
• સંગ્રહ ક્ષમતા: ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
• છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લિટર ફક્ત નિમાસ્ત્ર. પાણી ભેળવવાનું નથી, પાળી ભેળવ્યા વગર સીધો જ છંટકાવ કરવો.
– બ્રહ્માસ્ત્ર (કીટકો, મોટી જીવાતો અને ઈયળો માટે): ૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી, ૨ કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, ૨ કિલોગ્રામ એરંડાના પાનની ચટણી, ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી, ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
• સંગ્રહ ક્ષમતા: ૦૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
• છંટકાવ: પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લિટર પાણી ૬ થી ૮ લિટર ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
-અગ્નિ અસ્ત્ર (વૃક્ષના થડ અથવા દાંડીઓમાં રહેતાં કીટકો, કળીઓમાં રહેતી જીવાતો, ફળોમાં રહેતી જીવાતો, કપાસના કાલામાં રહેતી જીવાતો તેમજ બધા પ્રકારની મોટી જીવાતો અને ઈયળો માટે) રીત: ૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી, ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી, ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુની ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડું પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને ઉપયોગ કરવો.
• સંગ્રહ ક્ષમતા: ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
• છંટકાવ:પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લિટર પાણી, ૧ થી ૮ લિટર અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો.
આમ, પાક સંરક્ષણના આ ઉપાયો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક રીતે દવાઓ બનાવી અને તેનો છંટકાવ કરી શકે છે અને રાસાયણિક દવાઓથી થતી સંભવિત આડઅસરોથી જમીનને અને પાકને સંરક્ષિત રાખી શકે છે.