શાળાએ મોકલતા દરેક વિદ્યાર્થીનીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શાળાના આચાર્યે ધો.૧૦ ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. પુષ્પાંજલિ માધ્યમિક શાળાના આચાર્ય સુનિલ કરમુંગે (ઉંમર ૫૦) એ વીડિયો કોલ પર એક સગીર વિદ્યાર્થી પર જાતીય હુમલો કરીને શોષણ કર્યું હતું. આ શાળા નાંદેડ શહેર નજીક પાસડગાંવમાં આવેલી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ધોરણ ૧૦ માં ભણતી એક વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને કહ્યું કે પ્રિન્સિપાલે પેપર ચેક કરવાના બહાને તેના મોબાઇલ પર વીડિયો કોલ કર્યો અને અશ્લીલ કૃત્ય કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ પ્રિન્સિપાલને બહાર બોલાવ્યા અને માર માર્યો હતો. આ પછી વિદ્યાર્થીએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પીડિતા સગીર હોવાથી પોલીસે આચાર્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આ સમાચાર સાંભળીને સુનીલ કરમુંગે ડરી ગયા. તેને લાગ્યું કે તેની બદનામી થશે. આ ડરને કારણે તેણે ઝેર પી લીધું હતું. આ બદનામીથી ડરીને આત્મહત્યા કરી છે.
પરિવારે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ શુક્રવારે બપોરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મરતા પહેલા સુનિલે એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેણે કહ્યું હતું કે પીડિત છોકરીનો પરિવાર મને માનસિક રીતે હેરાન કરે છે, તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. મૃતક પ્રિન્સિપાલના પરિવારે પીડિત વિદ્યાર્થીની, તેના માતા-પિતા અને ભાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ હવે બંને પક્ષોની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બાળકો શાળાઓમાં સુરક્ષિત છે? થોડા મહિના પહેલા પણ નાંદેડમાં એક પ્રિન્સિપાલ પર એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો.
પોલીસે બંને પક્ષોની ફરિયાદો લીધા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. શિવાજીનગર પોલીસ ઇન્સ્પેક્ટર શિવાજી ગુરમેએ જણાવ્યું હતું કે અમે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. બંને પક્ષોના દાવાઓની તપાસ કરવામાં આવી રહી છે, આ ઘટના શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધ પર પ્રશ્નો ઉભા કરી રહી છે, સમાજમાં ગુસ્સો અને ભય બંને ફેલાઈ રહ્યા છે.