અમરેલી તાલુકાના ફતેપુર ગામ પાસે પસાર થતી ઠેબી નદીમાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણી વહી રહ્યું છે. જેનાં કારણે કિનારે વસતા ગામ લોકોનાં આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ દૂષિત પાણીના કારણે નદી પર બાંધવામાં આવેલા ચેકડેમોના પાણી પણ બગડ્યા છે. દૂષિત પાણી ફીણવાળું અને લાલ કલરનું છે. જેને કારણે પાણીમાં રહેલા જીવ સૃષ્ટી સામે પણ પડકાર ઉભો થયો છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું છે કે, લાલ પાણીનાં કારણે જમીનના તળ ખરાબ થાય છે અને ખેતરોનાં પાક પણ દૂષિત થાય છે. તેમજ આ પાણી પશુઓ પણ પી શકતાં નથી. આજુબાજુના ફતેપુર, ચાંપાથળ સહિતના કિનારાના ગામમાં લાલ અને ફીણવાળા દૂષિત પાણીના કારણે લોકોનું આરોગ્ય જાખમમાં મુકાયું છે અને રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો આ લાલ અને ફીણવાળુ દૂષિત પાણી કયાંથી આવે છે તે જાણવા મળ્યું નથી. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે. આ ઉપરાંત ફતેપુર ખાતે વિશ્વ વિખ્યાત સંત ભોજલરામબાપાનું મંદિર પણ આવેલ હોય આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તગણો આવતા હોય તેમના આરોગ્ય સામે દૂષિત પાણીથી ખતરો ઉભો થયો છે.