ફિલિપાઈન્સમાં કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ પછી, રાખનું વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતું. વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ
આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કાનલાઓન જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ ૮૭,૦૦૦ લોકોને તાત્કાલિક અસરથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.
નેગ્રોસ ટાપુ પર સ્થિત કાનલાઓન જ્વાળામુખી સમુદ્ર સપાટીથી ૨,૪૦૦ મીટર (આશરે ૮,૦૦૦ ફૂટ) ઊંચે છે. તે ફિલિપાઈન્સમાં ૨૪ સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. આ જ્વાળામુખી ભૂતકાળમાં ઘણી વખત ફાટ્યો છે અને તેની નજીક આવેલા ગામો માટે તે હંમેશા ખતરાની નિશાની રહ્યો છે.
ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધાર્યું છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે વિસ્ફોટ શરૂ થઈ ગયો છે જે વધુ મોટા વિસ્ફોટોમાં ફેરવાઈ શકે છે. કાનલાઓન જ્વાળામુખી છેલ્લે આ વર્ષે જૂનમાં ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી નેગ્રોસ ટાપુ પર નેગ્રોસ ઓરિએન્ટલ અને નેગ્રોસ ઓકસીડેન્ટલના પ્રાંતોમાં ફેલાયેલો છે અને તે દેશના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.
ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’માં આવેલું છે, જે તેને ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ બનાવે છે. દેશમાં ૨૪ સક્રિય જ્વાળામુખી છે, જેમાંથી કાનલાઓન એક છે. જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપની ગતિવિધિઓ અહીં વારંવાર જોવા મળે છે જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટો ખતરો છે.