ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુભેન્દુ અધિકારીએ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પર બાંગ્લાદેશ સરહદ પર બીએસએફ ચોકીઓ અને અન્ય મહત્વપૂર્ણ માળખાના નિર્માણ માટે જમીન સંપાદન કરવાના પ્રયાસોને ઇરાદાપૂર્વક અવરોધવાનો આરોપ મૂક્યો હતો.
શુભેન્દુએ જણાવ્યું હતું કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારનો અસહયોગ સરહદ પારથી ઘૂસણખોરી અને ગુનાખોરીને રોકવા માટેના મહત્વપૂર્ણ પગલાંને અવરોધીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમણે મમતા સરકાર પર રાજ્ય અને રાષ્ટ્ર બંનેની સુરક્ષાને દાવ પર રાખીને વોટબેંકની રાજનીતિને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો.
જોકે, ટીએમસીએ શુભેન્દુના આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા. પાર્ટીએ ભાજપના નેતા પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. શુભેન્દુની ટિપ્પણીઓ પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને ૨,૨૧૬ કિમી લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી અને સીમાપાર અપરાધ અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવે છે.
બીજેપી નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીએમસી સરકાર દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) માટે જમીન ફાળવવાનો ઇનકાર બાંગ્લાદેશથી ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો તરફ દોરી જાય છે. તેમણે કોલકાતામાં કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર સરહદની સુરક્ષા માટે બોર્ડર આઉટપોસ્ટ્‌સ (બીઓપી) અને વાડ બાંધવા માટે જમીન સંપાદન પ્રક્રિયામાં અવરોધ લાવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર છે, પરંતુ રાજ્ય સરકાર જાણી જોઈને જમીન આપી રહી નથી.
શુભેન્દુએ આરોપ લગાવ્યો કે ટીએમસી પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવાના ઈરાદાથી આવું કરી રહી છે. તેમણે સરહદ વાડના કામમાં વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં ૫૬૯.૨૫૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ હજુ પણ અસુરક્ષિત છે, જેનો મોટો ભાગ ઘૂસણખોરી અને દાણચોરી માટે અત્યંત સંવેદનશીલ છે.
બીજેપી નેતાએ કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલા જમીન સંપાદનના કેસોને પણ મંજૂરી આપી નથી. પરિણામે  ૧૭ થી વધુ મહત્વના સ્થળો પર ચોકીઓ અને ફેન્સીંગ સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે વિલંબને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બેલગામ વધારો થયો છે.
શુભેન્દુએ રાજ્ય પોલીસ પર સરહદ પારના ગુનાઓ, ખાસ કરીને માનવ તસ્કરી, પ્રાણીઓની દાણચોરી અને ફેન્સીડીલ અને યાબા ટેબ્લેટ્‌સ જેવા માદક દ્રવ્યોની દાણચોરીને રોકવામાં બીએસએફને સહકાર ન આપવાનો પણ આરોપ મૂક્યો હતો. રાજ્ય પોલીસ સરહદ પારના ગુનેગારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, એમ તેમણે દાવો કર્યો હતો. આમાંના ઘણા ગુનાહિત તત્વો શાસક પક્ષના ઇશારે કામ કરી રહ્યા છે.
આરોપોનો જવાબ આપતા ટીએમસી નેતા કુણાલ ઘોષે તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પરના આ આરોપો પાયાવિહોણા છે. રાજ્ય સરકારે બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને શક્ય તમામ મદદ પૂરી પાડી છે. શુભેન્દુ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે રાજ્ય સરકારને દોષ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.