બકો હુંહ ભર્યો આવ્યો, અને હાહ ખાધા વગર બોલવા મંડ્યો.
બોસ્, બોસ, બોસ… મને એ જણાવો કે, વિધાનસભામાં કેટલા ખાતાં હોય છ ?’ બોસને પહેલાં તો આશ્ચર્ય થયું. કોઈ દિવસ નહીં. અને બકાને ઓચિંતા ધારાસભાનું ભૂત કેમ વળગ્યું ?‘બકા, તારે એ જાણીને શું કામ છે? બોસ, કામ વગર અત્યારે કોઈને મરવાની ‘ય નવરાશ નથી. કાંઈક કામ હશે, તો જ પુછ્યું હોય ને.
હા પણ, તે સવાલ બારમાં ધોરણની પરીક્ષા જેવો પુછ્યો છે. બારમાં ધોરણમાં ભૌતિકવિજ્ઞાનના પેપરમાં એક પ્રશ્ન એવો પુછાયો કે, સૌ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા. સુપરવાઈઝરનેય શુજ ના પડી.
શિક્ષકોય મૂંઝવણમાં મુકાયા. અંતે ગાંધીનગર સુધી વાત પૂગી. પણ ત્યાં ત્રણ કલાકનો સમય પૂરો.
બોસ, મેં તમને બારમાં ધોરણનો પ્રશ્ન નથી પુછ્યો. વિધાનસભાનો પ્રશ્ન પુછ્યો છે. અને હા, ભણતરને અને વિધાનસભાને કાંઈ લાગે વળગે નહીં.
હા પણ, આ તારો પ્રશ્ન એના જેવો જ છે.
તું કહે છે કે, વિધાનસભામાં કેટલા ખાતાં હોય છે?
હવે હું એમ કહું કે, સૌ પાંહે ખાતાંમાં ‘ય ખાતાં હોય છે. તો તું કહીશ કે, કેટલા કેટલા ખાતાં હોય છે ??
એટલે આનો મૂળ જવાબ આપવો અઘરો છે.
હા પણ, છતાંય કાંઈક આંકડો તો હશે ને !!?
જો ભાઈ, ઘણાંય ખાતાં બહારેય ખાતાં હોય છે. આનો આંકડો કેમ કરીને ભેગો કરવો ?
અભણ અમથાલાલને હવે બોલ્યા વગર હાલે એમ નહોતું.
ભાઈ તારે કામ શું છે? ઈ કેને. તને કોઈ ગામડાં ગામની સામાન્ય સભ્યની ચૂંટણીમાં ‘ય હંભારતુ નથી અને તું સીધી જ ગાંધીનગરની વાત કરે છે. ગાંધીનગર પોગતાં કેટલી વીહે હો થાય ? ઈ ખબર છે ??
અને સૌની પાંહે ખાતાં હોય તો ખાતાં હોય. ઈ બચારા તમારી કેટલીક સેવા કરે ? આ દુનિયામાં સૌ કોઈ સૌ સૌની રીતે ખાતાં હોય છે. આપણે ખાતાં હોઈએ અને બે રોટલી વધારે ખવાય તરત જ ઘરવાળી અંદરથી બોલશે.
‘કેટલીક ભૂખ લાગી છે? મોઢામાંથી ભહજો. એટલે મને રોટલાં ટીપવાની હમજણ પડે.’
‘અને એ લોકો ખાતાં હોય તો શક્ય છે કે, બાજુવાળાને ‘ય ખબર ના પડે. બસ ખાયે રાખે ખાયે રાખે. માંડ માંડ પાંચ વરહ હાથમાં આવ્યાં છે. હા, હું માનું છું કે, ખાતાં વગર સરકાર હાલતી ચાલતી નથી. પણ કાંઈક તો આંકડો હોય ને !!
અમથાલાલે હવે માંથુ ખંજવાળ્યું. બકા બકા, હારા હારા મુખ્યમંત્રી ‘ય અત્યાર સુધીમાં હોધી હકયાં નથી કે, કેટલા ખાતાંમાં ખાતાંનો આંકડો કેટલો છે ? વિધાનસભામાં તો ખાતાં હોય છે પરંતુ બહારે ‘ય ખાતાં હોય છે.
પણ, તારે આ બધું જાણીને કરવું છે શું??”
“અમથાલાલ માનો કે, ઘણાં ‘યને બગાસું ખાતાં પતાસું મળી ગયું છે. એમ આ તો મોદી સાહેબનો યુગ હાલે છે. રખે ને કાલ હવારે આપણને ધારાસભાની ટિકિટ મળે. અને ઘણાં ‘ય (ના)-લાયક સભ્યો લાયક બની ગયાં છે એમ આપણે ‘ય જીતી જઈએ અને ..અને..,ખરસો કરીને ‘ય મંત્રી બનાવતાં હોય તો આપણને ખબર તો હોવી જોઈએને. કે, સરકારમાં કેટલા ખાતાં હોય છે. અને ખાસ તો, ખાતાંમાં ‘ય કેટલા ખાતાં હોય છે.
બકા, આ તારું વિચારવાનું ખોટા રસ્તે છે. ઈ હંધૂય સમય આવ્યે સમજાય જાય. અત્યારે નાહકનું મગજ હલાવવું.
બોસ, તમે ન્યાં જ ખોટા પડો છો. ત્યારે તમારી પાંહે ખાતાં સિવાય કાંઈ વિચારવાનું હોતું જ નથી.
તારે જાણવું છે શું ? ઈ ફોડ પાડીને વાત કરને.
આ પંજાબની માન સરકારનો જ દાખલો લઈ લો.
મંત્રી મંડળમાં એક થી પાંચમાં જેની ગણતરી થાય એવું નામ. ‘કુલદીપ સિંહ ધાલીયાલ.’
હવે આ ધાલીયાલના ખાતાંમાં જ ઘાલમેલ થઈ.
અને પાછી કેવી ઘાલમેલ !?? વીહ વીહ મહિને ખબર પડી કે, કાંઈક ઘાલમેલ છે.
બકા, કાંઈક હમજાય એવું બોલ. આપણે માનીએ છીએ કે, પંજાબના લોકો ભોળા હોય છે પણ, એની કોઈ મજાક ઉડાડે એટલા તો ભોળા ના જ ગણાય ને !!
બોસ, હજીય તમે ખાંડ ખાવ છો. આ ધાલીયાલને મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં એક ખાતું આપવામાં આવ્યું હતું. વહીવટી સુધારા વિભાગ હવે ખાતું રાતે આપ્યું કે, દિવસે ? ઈ તો રામ જાણે.પણ વીહ વીહ મહિને ખબર પડી કે, આવું આવા નામનું સરકારમાં ખોઈ ખાતું જ નથી.
અભણ અમથાલાલની ટાલમાં રહ્યા સહ્યા વાળે ‘ય ઊભા થઈ ગયા. તો પછી.., વીહ વીહ મહિના હુધી આ ઘાલમેલ મતલબ ધાલીયાલે કામ કર્યું શું!?? ઓફિસમાં બેહીને કાગળિયા શું જોયાં ?? માનો કે, ઈ હંધાય દિલ્હીની ચૂંટણીમાં પડ્યા હોય પણ, જનતાનું શું!?? એટલે જ મારે જાણવું છે કે, સરકારમાં કેટલા ખાતાં હોય છે ???