બગસરા તાલુકાના ખીજડીયા ગામે એક સમાજના બે પરિવારો વચ્ચે વર્ષોથી માર્ગ બાબતે ચાલતા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા આધેડની હત્યા કરવામાં આવી છે જયારે આરોપી અને
મૃતકના પુત્રને ઈજા થતા ગંભીર હાલતમાં સારવામાં ખસેડવામાં આવ્યા હતા. કહેવત છે કે ‘જર, જમીનને જારૂ ત્રણેય કજિયાના છોરૂ’. આ કહેવતને સાર્થક કરતી એક ઘટના બગસરા તાલુકાના ખીજડીયા ગામે બની હતી જેમાં એક જ સમાજના બે પરિવારને વાડીએ જવાના માર્ગ બાબતે વર્ષોથી ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાએ શનિવારે વરવુ સ્વરૂપ ધારણ કર્યુ હતું જેમાં સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા જયરાજભાઈ ધીરૂભાઈ વાળાએ પોતાની પાસે રહેલી કુહાડીના ઘા મારી કાળુભાઈ ભોજભાઈ વાળા નામના આધેડની નિર્મમ હત્યા નિપજાવી હતી. આ મારામારીમાં યુવકનો પુત્ર આવી જતા સામસામી મારામારી થતા આરોપી જયરાજ અને રાજદીપ કાળુભાઈ વાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને ગંભીર હાલતમાં અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને પરિવાર એક સમાજના હોવાથી કોઈ અનિચ્છીનિય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જયારે હત્યાનો બનાવ બનતા એલસીબી, એસઓજી અને બગસરા પોલીસ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આમ, માર્ગ બાબતે યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે