બગસરાના મોટા મુંજીયાસર ગામમાં રહીશોના ઘર પાસેથી નીકળતી ગટર એટલી હદે દુર્ગંધ મારી રહેલ છે કે લોકો નરકમાં રહેતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. આ ખુલ્લી ગટરના કારણે અહીંયા ગંદકીના ગંજ પણ જામી ગયા છે અને લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. મોટા પ્રમાણમાં ગંદકીના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે લોકો ઉપર ભયંકર બીમારીનો ખતરો તોળાઈ રહેલ છે. પરંતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોને લોકોની સમસ્યાની કોઇ ચિંતા નથી તેવી ફરિયાદ થઇ રહી છે. આ સમસ્યા અંગે લોકોએ અનેકવાર સરપંચને રજૂઆત કરેલી છે છતાં તેઓ પણ કોઇ ધ્યાન આપતા નથી તેવું કહેવાય છે. આ બાબતે સરપંચ જયસુખભાઇને પૂછતાં તેમણે જણાયું કે અમારે ગ્રાન્ટ નથી આવતી, જયારે ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરાવીશું. ગામના વિકાસ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.