બગસરાના યુવક અને યુવતી સહિત ત્રણ લોકોએ ગીરગઢડાના એક આધેડને જમીન દલાલી માટે વિશ્વાસમાં અંકલેશ્વર પાસેની એક હોટલમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી અપહણ કરી લૂંટ ચલાવી હોવાની અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યુવક અને યુવતીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગીરગઢડાના આધેડ પરશોતમભાઈ વાલજીભાઈ સુતરીયા સુરત સહિતના વિસ્તારોમાં જમીન દલાલીનું કામ કરે છે. આ બાબતે તેમનો સંપર્ક પાયલ ભાવીન પટેલ રહે. રાંદેસણ જિ.ગાંધીનગર મૂળ ગામ બગસરા સાથે થયો હતો. આ અંગે તપાસનીશ અધિકારી એચ.જી. ગોહિલે જણાવ્યું હતું કે ગત તા.૦રના રોજ આરોપી પાયલે જમીનની ફાઈલ આપવા માટે આધેડને એક હોટલમાં બોલાવ્યા હતા જયાં પાર્થ જીતેન્દ્ર ઠાકર રહે. બગસરાવાળાએ ધસી આવી આધેડને માથામાં માર મારી બંને લોકો આધેડને હોટલમાંથી નીચે ઉતારી કારમાં અપહરણ કરી લઈ ગયેલા જયાં કારમાં અન્ય એક આરોપી કમલેશ મહેતા રહે. જેઠીયાવદર તા.બગસરાવાળો પણ હાજર હોય ત્રણેય લોકો બે કારમાં નીકળી ગયા હતા. જયાં આધેડના ખિસ્સામાંથી રોકડ રકમ લઈ લીધી તેમજ મોબાઈલમાંથી ગૂગલ પે કરાવી નાણા ટ્રાન્સફર કરાવી લીધા હતા તેમજ આધેડ પાસેથી ત્રણ ચેક પણ લઈ લેતા આ અંગે પરશોતમભાઈ સુતરીયાએ અંકલેશ્વર બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પાયલ ભાવીન પટેલ અને પાર્થ જીતેન્દ્ર ઠાકરને ઝડપી લીધા હતા જયારે કમલેશ મહેતા નામનો શખ્સ હજુ ફરાર છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ટોળકીનો કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ ફરિયાદ કરવા પીઆઈ ગોહિલે અનુરોધ કર્યો છે. રિમાન્ડ દરમિયાન આ ટોળકીએ કોને-કોને નિશાન બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે.