બગસરામાં મેઘાણી હાઈસ્કૂલની દિવાલની નજીક જ બે વીજ ટ્રાન્સફોર્મર આવેલા હોવાથી આ ટ્રાન્સફોર્મરને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે હાઈસ્કૂલની દિવાલની નજીક જ બે મોટા વીજ ટ્રાન્સફોર્મર આવેલા છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય ફેલાયો છે. આ માર્ગ પર કોલેજ પણ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટ્રાન્સફોર્મરની નજીકથી જ પસાર થાય છે. આ અંગે વીજ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર અન્યત્ર ખસેડી શકાય તેવી કોઈ જગ્યા નથી. જો કે ટ્રાન્સફોર્મરમાં ૧૧ કે.વી.ની લાઈન આવતી હોવાથી વિદ્યાર્થી માટે ભવિષ્યમાં જોખમ ઉભુ થાય તેમ છે. આમ, ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા શાળા પાસેથી આ વીજ ટ્રાન્સફોર્મરને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.