ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું જેના લીધે ગુજરાતની ૧.૧૦ લાખ આંગણવાડી વર્કર તેમજ હેલ્પરોમાં ખૂબ જ નારાજગી જોવા મળી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ હતો કે આંગણવાડી વર્કર તથા હેલ્પરને કાયમી કરવાં અને ત્રીજા અને ચોથા કર્મચારીને મળતા લઘુતમ વેતન આપવા પરંતુ આ વખતના બજેટમાં આ બાબતનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ન આવતા આ તમામ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને નાની આંગણવાડીની બહેનોમાં નારાજગી જોવા મળી હતી. જેથી બગસરા આંગણવાડી બહેનોએ લાંબા સમયથી અનેક પ્રશ્નો જેવા કે પગાર વધારો કરવો, વયમર્યાદામાં વધારો, ડિજિટલ કામગીરી હોવાથી મોબાઈલ આપવા, પોષણ ટ્રેકર સહિત ડિજિટલ કામગીરીમાં ઘટાડો કરવો, એક ટાઈમ જિલ્લા તથા તાલુકામાં ફેરબદલીની તક આપવી, પોષણ આહાર તેમજ પોષણ સુધાના દરમાં વધારો કરવો, તમામ પ્રકારના બીલો નિયત સમયમાં ચૂકવવા સહિતની ૨૨ માંગણીઓ બાબતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે બેઠક યોજવામાં આવે તેવી માંગ સાથે બગસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.