બગસરા શહેરમાં નૂતન વર્ષ બાબતે લોકો દ્વિધા અનુભવી રહ્યા હતા ત્યારે ચેમ્બર તથા સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૧ નવેમ્બરને શુક્રવારના રોજ અન્નકૂટ સાથે બેસતુ વર્ષ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. બગસરા શહેરમાં સામાજિક સંસ્થાઓ તથા સંતો વચ્ચે થયેલી મિટિંગમાં નૂતન વર્ષ ઉજવવા બાબતે કોઈ આખરી નિર્ણય લઈ શકાયો ન હતો. લોકોને પડી રહેલી મુશ્કેલીને પગલે ચેમ્બર ઓફ કોમર્સ બગસરા, નવા વેપારી મંડળ તથા સ્વામિનારાયણ મંદિર બગસરાના વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા તા.૧ને શુક્રવારના રોજ અન્નકૂટના દર્શન સાથે નૂતન વર્ષ ઉજવવા જાહેરાત કરેલી છે. જેને લોકો દ્વારા વધાવી લેવામાં આવેલ છે. જ્યારે પુષ્ટિમાર્ગી હવેલીના પૂ. પા. ગો. ૧૦૮ પ્રભુજીમહારાજ તથા પૂ.પા. ગો.ચી. રાસેશ્વરબાવાશ્રી તેમજ જુના વેપારી મંડળ દ્વારા હવેલીમાં શનિવારના રોજ નૂતન વર્ષના દર્શન યોજાશેની જાહેરાત કરેલ છે. જોકે વર્ષોથી બગસરામાં ધોકાનો દિવસ પાળવાનો રિવાજ ન હોવાથી મોટાભાગના લોકો તા. ૧ને શુક્રવારના રોજ નૂતન વર્ષની ઉજવણી કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.