બગસરામાં નગરપાલિકા દ્વારા નવી નીતિ બહાર પાડવામાં આવી છે કે, જો શહેરના કોઈપણ વિસ્તારમાં ગટર ઊભરાતી હોય તો સફાઈ કરવાનો સમય ફક્ત સવારના સાતથી બપોરના બે વાગ્યા દરમિયાન જ કરવામાં આવશે. આવી નીતિના કારણે પોતાની મનમાની કરતા પાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટરનું દુર્ગંધયુક્ત પાણી રોડ ઉપર પ્રસરતા લોકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ ભૂગર્ભ ગટરની સફાઈ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જાગૃત નાગરિકે ભૂગર્ભ ગટર વિભાગને જાણ કરી તો ત્યાં બોર્ડ મારેલું જોવા મળ્યું કે ભૂગર્ભ ગટરની સફાઈનો સમય સવારે સાતથી બે દરમિયાન જ છે. તો કાલે સફાઈ થશે તેવા બહાના કરીને બે દિવસ વીતી ગયા છતાં ગટરની સફાઈ થઇ નથી. પાલિકા દ્વારા હાલમાં જ ભૂગર્ભ ગટર વેરો રૂ. ૨૫૦ કરવામાં આવેલ છે. આથી વેપારીઓ કહે છે કે, વેરો તો વધારી દીધો પણ સફાઈ અને સુવિધાના નામે કંઈ થતું નથી.