બગસરા એસ.ટી.ડેપોમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી એસ.ટી.ડેપોનો વહીવટ કથળ્યો છે. મહત્વના અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી ડયુટીલીસ્ટ બનાવવા માટે કંડકટરને બેસાડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. એસ.ટી.ડિવિઝનમાં આ બાબતે પુછતા આગામી સમયમાં પરીક્ષા લેવાનાર છે તેવુ ગાન ગાવામાં આવતુ હોવાથી એસ.ટી.કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. બગસરા એેસ.ટી.ડેપોમાં છેલ્લાં ઘણા સમયથી એટીઆઈ અને ટી.સી.ની જગ્યા ખાલી છે જેથી ડયુટીલીસ્ટ બનાવવા માટે દર મહિને કોઈ એક કંડકટરને આ ફરજ સોંપવામાં આવે છે. જા કે આ ફરજ માથાના દુઃખાવારૂપ હોવાથી કોઈ કંડકટર આ કામ કરવા માટે તૈયાર નથી. નોકરી ફાળવ્યા બાદ અમુક ડ્રાઈવર કે કંડકટર નોકરી બાબતે ચંચુપાત કરતા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. જેના લીધે ડયુટીલીસ્ટ બનાવનાર કંડકટર પણ આ કામગીરીથી ત્રાસી ગયા છે. આ બાબતે એસ.ટી.અધિકારીઓ જણાવી રહ્યાં છે કે એટીઆઈની પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે અને આગામી સમયમાં પરીક્ષા પાસ થયા બાદ એટીઆઈની નિમણૂક કરવામાં આવશે પરંતુ ત્યાં સુધી ડયુટીલીસ્ટ બનાવનાર માટે આ કામગીરી બોજ સમાન બની ગઈ છે. ત્યારે તાત્કાલિક એટીઆઈની નિમણૂક કરવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યાં છે.