બગસરા પાલિકા દ્વારા શહેરની જનતા ઉપર કરવેરાનો અસહ્ય બોજ નાખતા બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વેરા વધારાનો સખત વિરોધ કરવા છતાં નવા કરવેરા નવા વર્ષથી લાગુ કરવા પાલિકાના સત્તાધીશો દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી અને ખોટા ખર્ચાઓ કરી પાલિકાને ખોટમાં દર્શાવેલ અને પ્રજા સમક્ષ ખોટી માહિતીઓ આપી કરવેરા વધાર્યા હોવાનું જણાવ્યુ હતું ત્યારે પાલિકાના બજેટમાં પુરાંત વાળુ બજેટ રજૂ કરેલ જે અસંગતતા દર્શાવવામાં આવી છે. કોમર્શિયલ માટે ૮૫૦ અને રહેણાંકમાં ૭૫૦ જેટલો વેરો વધારો કરાયો હતો જેના લીધે શહેરની પ્રજાની માથે કારણ વગરનો ૧૦૦ ગણો વધારો કરી લોકો ઉપર બોજો આપવાનું કામ પાલિકા સત્તાધીશો કરી રહ્યા છે તેની સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્ઘારા શહેર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જેનો બહોળો પ્રતિસાદ મળેલ હતો. ભાવનગર આરસીએમ અને જિલ્લા કલેકટર તેમજ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ પાલિકા દ્વારા કરાયેલ વેરા વિરોધની જાણ કરેલ તેમ છતાં પાલિકા અને સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આખરે ચેમ્બરે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી સ્પેશિયલ પીટીશન દાખલ કરી હતી જેને હાઇકોર્ટ દ્વારા યોગ્ય ઠેરવી તારીખ ૭-૫-૨૦૨૫ના રોજ પાલિકા અધિકારીઓને હાજર રહેવા નોટીસ આપવામાં આવી હતી.