બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી આપતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.૩૧મીએ શહેર બંધનું એલાન આપ્યુ છે. જા કે મામુલી વેરો વધારવો પડે તેવી સ્થિતિ હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૂ.૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં તા.૩૧મીએ બગસરા બંધનું એલાન આપ્યુ છે. તેમજ તમામ લોકો વિજય ચોક ખાતે ભેગા મળીને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળીને આવેદન પણ આપશે.
આ અંગે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે અને કર્મચારીઓના પગાર નિયમિત થાય તે માટે વેરો વધારવો જરૂરી છે. તો પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું મેઈન્ટેનન્સ દર વર્ષે રૂ.૧ કરોડ છે. ઘરદીઠ પાણી કનેકશન રૂ.રપ૦૦ જેટલુ થાય છે તેની સામે માત્ર પાણી વેરો રૂ.૯૦૦ કરાયો છે. સ્ટ્રીટલાઈટનો વેરો માત્ર રૂ.પ૦ કરવામાં આવ્યો છે. જયારે સફાઈના રૂ.૧૦૦ કરવામાં આવ્યા છે. શહેરીજનોને એકાંતરા બે કલાક કરતા વધારે સમય પાણી વિતરણ કરવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને ધ્યાને લઈ ૧૦ વર્ષ બાદ પાણી વેરો વધારવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોને તમામ અફવાઓથી દુર રહેવા અને વિકાસના કામમાં સહકાર આપવા પાલિકા પ્રમુખે અંતમાં અનુરોધ કર્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં બગસરા પાલિકાના વહીવટદારો દ્વારા પ્રજા ઉપર અસહ્ય વેરો વધારો કરતો ઠરાવ પસાર કર્યો હતો. જે પ્રજાની કમર તોડી નાખતો વધારો હોઈ જેના અનુસંધાને આ આંદોલન કરવાની ફરજ પડી છે. જો એક દિવસના બંધને જોઈ કોઈ વહીવટદારો દ્વારા વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા આગામી દિવસોમાં શહેરના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આગળનું આંદોલન કરવામાં, બંધનું એલાન કરવામાં આવેલ છે.
સહકારી મંડળીના ચેરમેન કમલેશભાઈ ગણાત્રા દ્વારા કહેવામાં આવેલ કે વેરો વધારો પણ આટલો બધો નહિ કે નાના વેપારીઓ વેરો ના ભરી શકે જયારે આ કમરતોડ વેરા વધારાથી લોકોને આર્થિક ભીંસ પડે એમ છે તો પાલિકા દ્વારા પ્રમાણસર વેરો વધારવો જોઈએ અને જો પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયેલ છે તે પાછો લેવો જોઈએ અને ચેમ્બર દ્વારા બંધ પાળીને વેરા વધારાનો નિર્ણય લેવાયેલ છે અમો તેમની સાથે રહીશું. આ બાબતે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં પણ આવેલ છે જયારે આ બંધમાં ચેમ્બર તેમજ કિરાણા એસોસિએશન દ્વારા શહેરના લોકોને આપીલ કરવામાં આવી છે.

ક્યો વેરો વધારીને કેટલો કરવામાં આવ્યો
પહેલા સ્ટ્રીટલાઈટ વેરો ઝીરો હતો હવે ૫૦ કર્યો છે. ભૂગર્ભ ગટરનો વેરો પણ ઝીરો હતો જે વધારીને ૨૫૦ કરવામાં આવ્યો છે. પાણી રહેણાંક વેરો પહેલા ૬૦૦ હતો, હવે ૯૦૦ કર્યો છે. પાણી બિન રહેણાંક વેરો ૧૩૦૦ હતો જે વધારીને ૧૭૦૦ કર્યો છે. સફાઈ રહેણાંક વેરો ૧૫ હતો હવે ૧૦૦ કર્યો છે. સફાઈ બિન રહેણાંક વેરો ૨૫ હતો તે વધારીને ૧૦૦ કર્યો છે. આમ ટોટલ રહેણાંક વેરો ૭૫૦ રૂપિયા તેમજ બિન રહેણાંકનો વેરો રૂ. ૮૫૦ વધાર્યો છે.

પહેલા ગટરો સાફ કરાવો પછી વેરો વધારવાની વાત કરો
પ્રતિષ્ઠિત નાગરિક રહીશ રાજુભાઈ બામટા દ્વારા કહેવામાં આવેલ છે કે વેરો વધારવો એ જરૂરી છે પણ જે વેરો વધારો છો તેના પ્રમાણમાં કામ કરતા નથી. ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર ગંદકી ના ગંજ જોવા મળે છે. સફાઈ થતી નથી. પહેલા શહેરની ગટરોની સફાઈ કરાવો, ગંદકી દૂર કરાવો પછી વેરો વધારવાની વાત કરો. જયારે ફક્ત બંધ પાળવાથી વેપારીઓને નુકસાન થાય એવી પાલિકાના સત્તાધીશોને સમજણ હોવી જરૂરી છે.

બંધ રાખીને વેપારીઓને આર્થિક નુકસાની શા માટે આપો છો ?
વેપારી દિનેશભાઇ ચૌહાણ દ્વારા કહેવામાં આવેલ કે પહેલા જ પાલિકા દ્વારા તમામ લોકોની સહમતી લઇને વેરો વધારેલ હતો તો હવે બંધ રાખીને વેપારીઓને આર્થિક નુકસાની શા માટે આપો છો. એક તો મંદી હોવાથી વેપારીઓ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં બંધ પાળવાથી વધુ નુકસાની આપવી ના જોઈએે.