બગસરામાં ફરી એકવાર સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે પાલિકા અને પોલીસે કડક કામગીરી હાથ ધરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. બગસરા શહેરમાં સરકારી જમીન પર અનેક સ્થળોએ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યુ હોવાનું નગરપાલિકાને ધ્યાને આવતા તેમણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અમરેલી રોડ પર નાયરા પંપ સામે આવેલ સરકારી જમીન પર બનેલુ ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું હતુ અને પ્લોટને ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુંજીયાસર રોડ પર આવેલી એક હોટલ પર પણ પાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતુ. આ કામગીરીમાં બગસરા પીઆઈ સાળુકે, ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. તંત્ર દ્વારા હજુ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.