બગસરા નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં માર્ગ પર ઉભા રહેતા રેંકડીધારકોને દૈનિક ભાડામાં રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બગસરા નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પર ઉભા રહેતા રેકડીધારકો અને કેબીનધારકો પાસેથી દૈનિક ભાડા પેટે રૂ.ર૦ વસુલવામાં આવતા હતા. આ અંગે પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે, આગામી માસથી સંભવતઃ રેકડી અને કેબીનધારકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી માસથી દૈનિક રૂ.ર૦ના બદલે રૂ.૧૦ લેવામાં આવશે તેમજ નદીપરા વિસ્તારમાં બનતો માર્ગ આઈકોનીક માર્ગ બનાવવામાં આવશે. સાથોસાથ બાયપાસ સ્મશાનમાં લાકડાની બચત થાય તે માટે મોટી ભઠ્ઠી પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો રેકડીધારકો અને કેબીનધારકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવતા શ્રમિક પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.