બગસરામાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવો માહોલ છે. બગસરાના હીરાઘસુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાચા હીરા પૂરતા પ્રમાણમાં ન મળતા અને બનાવેલા હીરાની પણ પૂરતી લેવાલી ન આવતા હીરાના વેપારીઓ કારીગરોને પૂરતા ભાવ આપી શકતા નથી. આથી કારીગરોને આર્થિક ભીંસ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક સમયે બગસરા હીરાનું હબ ગણાતું હતું. ત્યારે બગસરામાં લગભગ ૪૫ જેટલા કારખાના ચાલતા હતા, જ્યાં એક કારખાનામાં અંદાજે ચાર હજાર જેટલા કારીગરો કામ કરતા હતા, અત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં ૧૫ જેટલા કારખાના કાર્યરત છે, જેમાં અંદાજે ૧૫૦૦ જેટલા કારીગરો કામ કરે છે. તેમને પણ મહેનતની સામે પૂરતું વળતર મળતું નથી. અગાઉ કારીગરો મહિને અંદાજે ૧૫થી ૨૦ હજાર કમાણી કરી લેતા હતા, અત્યારે ૪થી ૫ પાચ હજાર જેવું માંડ મેળવે છે. જ્યારથી રશિયા અને યુક્રેન યુધ્ધ શરુ થયું ત્યારથી આ હીરાની ચમક જાણે સાવ ફીકી પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિમાં કારખાનેદારો પણ સરકારને રજૂઆત કરી પોતાનું અને પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું ગુજરાન ચાલે તે માટે હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે પગલાં લેવા અપીલ કરી છે.