બગસરામાં નગરપાલિકાએ ભ્રષ્ટાચારની હદ વટાવી હોય તેમ અનેક સારા રસ્તાઓ તોડીને નવા બનાવવાનું કામ ચાલુ છે. થોડા સમય પહેલા જ બનેલો જુના સ્વામિનારાયણ મંદિર બગલી ચોકવાળો સારો રોડ તોડી નવો બનાવ્યો હતો. આ રસ્તો બનાવ્યો તેને ફક્ત ૧૫ દિવસ જેટલો સમય થયો છે ત્યારે આ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. આ રોડ આશિયાના કન્ટ્રક્શન દ્વારા ચાર લાખ રૂપિયાના ખર્ચે રિસર્ફેસીંગ કરાયો હતો, હાલમાં આ રસ્તાની હાલત અતિ બીસ્માર થઈ ગઈ છે. આ રસ્તા ઉપરથી કાંકરીઓ નીકળી ખાડા પડી ગયા છે, પરંતુ પાલિકાએ આ કન્સ્ટ્ક્શન કંપની સામે કોઈપણ કાર્યવાહી કરેલી નથી. પ્રજાના પૈસાનો ધુમાડો કરી નાખ્યો હોય કે પછી સત્તાધીશોએ પોતાના ખિસ્સા ભર્યા છે, તેવા અનેક પ્રકારના સવાલો લોકો દ્વારા ઊઠી રહ્યા છે. જિલ્લાના ઉપરી અધિકારી આવા તમામ રસ્તાઓનું ચેકિંગ કરે તો ઘણો બધો ભ્રષ્ટાચાર સામે આવે એમ છે. જો આવા ભંગાર હાલતમાં બનાવેલા રસ્તાને ફરી નવો બનાવવામાં નહીં આવે તો સત્તાધીશો વિરુદ્ધ આંદોલન કરી નગરપાલિકાને ઘેરાવ કરવાની લોકો દ્વારા ચીમકી આપવામાં આવી છે.