દેશમાં બુલેટ ટ્રેનની તૈયારીઓ થઈ રહી છે ત્યારે હજુ એસ.ટી. બસ ગોકળગાય ગતિએ ચાલી રહી છે. મુસાફરો ઝડપથી પહોંચવા માટે એક્સપ્રેસ બસનો સહારો લે છે પરંતુ અધિકારીઓની અણઆવડતને કારણે મુસાફરો એક્સપ્રેસ બસનું ભાડુ ચુકવી લોકલ બસની મુસાફરી કરતા હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. બગસરાથી વહેલી સવારે પઃ૩૦ વાગ્યે ઉપડતી કૃષ્ણનગર બસમાં એસ.ટી.ના અધિકારીઓએ મનફાવે તેમ રૂટ નાખી દીધા હોવાનું જાણવા મળ્યુ છે. બગસરા-કુષ્ણનગર બસમાં ૭ કલાકના સમયમાં પપ જેટલા સ્ટોપ હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો રાજકોટ જતી એક્સપ્રેસ બસમાં ટિકિટ ભાડું રૂ.૧ર૩ છે જયારે લોકલમાં રૂ.૭પ છે. લોકલ અને એક્સપ્રેસ બસના એકસરખા સ્ટોપ છે જયારે ટિકિટના દરમાં રૂ.૪૮નો ફેર છે. આ અંગે મુસાફરોએ જણાવ્યુ હતું કે ઝડપથી સ્થળ પર પહોચવા માટે એક્સપ્રેસ બસનો સહારો લેતા હોઈએ છીએ પરંતુ લોકલ મુસાફરી થતી હોવાથી સમયસર પહોંચી શકતા નથી. આ અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, જે સ્થળેથી મુસાફરો આવતા નથી તે સ્થળની તપાસ કરી સ્ટોપ રદ કરવામાં આવશે. આમ, એકસપ્રેસ બસના ભાડા સામે બસ લોકલ ચાલતી હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે.