બગસરા નગરપાલિકાનુ એકમાત્ર જેટીંગ મશીન નગરપાલિકાના પ્રાદેશિક નિયામકની સુચનાથી ૪૦૦ કિ.મી. દૂર છેક માંડવી નગરપાલિકા ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેથી બગસરામાં ભુગર્ભ ગટરના પાણીની સમસ્યાએ માઝા મુકતા સફાઈના નામે મીંડુ થયુ હતુ. આ બાબતે અખબારમાં સમાચાર પ્રકાશિત થતાની સાથે જ માંડવી પાલિકાએ જેટીંગ મશીન પરત મોકલી દેતા શહેરીજનોને હાશકારો થયો હતો. માંડવીમાં ભારે વરસાદ ખાબકતા પ્રાદેશિક કમિશનરે બગસરા પાલિકાના જેટીંગ મશીનને ૪ કામદારો સાથે માંડવી મોકલ્યુ હતુ. જો કે બગસરામાં વરસાદે વિરામ લેતા છેવાડાના વિસ્તારોમાં ભુગર્ભ ગટર જામ થઈ જતા ગટરના પાણી ઘરમાં આવવા લાગતા લોકોએ પાલિકાને રજૂઆત કરી હતી. આ અંગે અખબારમાં સમાચાર પ્રકાશિત થતા જ માંડવી પાલિકાએ તાત્કાલિક જેટીંગ મશીન બગસરા પાલિકાને પરત મોકલી દીધુ હતુ. આમ, હવે જેટીંગ મશીન પરત આવતા શહેરની જામ થયેલી ગટરોની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી છે.