બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીનાં ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા સહિતનાં આગેવાનો દ્વારા ૪૦ વર્ષ પહેલા ર૩૬ સભાસદો અને ર.૩૬ લાખ શેરભંડોળથી આ મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની ૬ હજાર કરતા વધારે શરાફી મંડળીઓનાં વાર્ષિક વહિવટ અને નફાકારત્વ તેમજ વહીવટી બાબતો ધ્યાનમાં રાખી ગુજરાત દ્વારા તમામ મંડળીઓમાંથી બગસરા શરાફી મંડળીને પ્રથમ ક્રમાંક ધરાવતી મંડળી જાહેર કરી છે. વર્ષ ર૦ર૪-રપમાં મંડળીનો ચોખ્ખો નફો રૂ.પ.૬૪ કરોડ છે. હાલ આ મંડળીમાં ર૩,૧૬૦ સભાસદો જાડાયેલા છે. આ મંડળી બગસરા, ધારી, ચલાલા, લીલીયામાં શેફ ડિપોઝીટ વોલ્ટ સુવિધા સાથે માલિકીની ઓફિસ ધરાવે છે. મંડળી દ્વારા બાજપાઈ સહાય નિધિ યોજના હેઠળ મૃતક સભાસદનાં વારસદારને રૂ.રપ હજાર તેમજ સભાસદનાં દીકરા-દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે માત્ર ૪ ટકા સાદા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. મંડળીની પ્રગતિ માટે તમામ ડિરેક્ટરોનો સિંહફાળો છે. મંડળીનાં ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાની કુશળ વહીવટી કામગીરીનાં કારણે બગસરા શરાફી મંડળીએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હોવાનું મંડળીનાં જનરલ એમ.ડી. નિતેશ ડોડીઆ, જનરલ સેક્રેટરી ડી.જી. મહેતાએ જણાવ્યું હતું.