બગસરા પાલિકામાં ભ્રષ્ટાચારની હદ વટાવી દેવામાં આવી છે. તાજેતરમાં જ બનેલા નવા સીસી રોડ ૧૫થી ૩૦ દિવસમાં જ તૂટી ગયા છે, જેના કારણે પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો થયો છે. વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયાએ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જમાલ સરવૈયાએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા રિસર્ફેસીંગના નામે નવા રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ રોડ ૧૫ દિવસમાં જ તૂટી ગયા છે. આ રોડ આશિયાના કન્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યા હતા, આ રોડ બનાવવા માટે અંદાજિત ૭૮ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આ રોડની હાલત અત્યંત ખરાબ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ રોડ પરથી કાંકરીઓ નીકળી ગઈ છે અને ખાડાઓ પડી ગયા છે. પાલિકા દ્વારા આ કન્ટ્રક્શન કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે આ રોડ પર થીગડાં મારીને પ્રજાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશો અને એન્જિનિયરની મિલીભગતથી આ રોડની દુર્દશા થઈ છે. આ મામલે એન્જિનિયર પ્રિયંકભાઈ નારીયાએ જણાવ્યું છે કે, ઘણી વખત રેતી અથવા કાંકરી નબળી આવી જાય અથવા વધુ પ્રમાણમાં પાણી છંટાઈ જાય ત્યારે ઉપરના લેયરની સિમેન્ટ ઉખડી જાય છે. આ તમામ રોડનું જ્યાં કાંકરી નીકળી છે ત્યાં મેન્ટેનન્સ કરવાની કામગીરી ચાલુ છે અને આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. જો કે, વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયાએ એન્જિનિયરના આ જવાબને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે માલ નબળો આવતો હતો ત્યારે એન્જિનિયર ક્યાં હતા અને જ્યારે પાણી વધુ પ્રમાણમાં કે ઓછું પીવડાવવામાં આવ્યું ત્યારે તપાસ કરવા કેમ ન આવ્યા? તેઓ પોતાનો બચાવ કરવા માટે આવા લૂલા જવાબો આપી રહ્યા છે.