બગસરા ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘાણીની ધરાના મુઠી ઊંચેરા અને બ્રહ્મસમાજના ભામાશા શાસ્ત્રી રમેશદાદાના અધ્યક્ષ સ્થાને તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતાના ઉદ્‌ઘાટક પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાનોનું રુદ્રાક્ષની માળા દ્વારા સ્વાગત કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી નંદલાલભાઈ બામટાએ સૌને આવકારી વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશીએ કાર્યક્રમની રૂપરેખા અને વિકાસ કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે બાલવાટિકાથી કોલેજ સુધીના ૧૪૫ વિદ્યાર્થીઓમાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ૯૦ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજને વિવિધ દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સામગ્રી પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મેઘરાજાની મહેર વચ્ચે માતાજીના ગરબા અને રાસની રમઝટ સાથે લાઈવ નાસ્તા બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા કથાકાર મેહુલભાઈ શાસ્ત્રીએ કર્યું હતું.