બગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે સમય મર્યાદામાં શિક્ષણાધિકારીની કચેરીને દરખાસ્ત મોકલવામાં નહી આવતા શાળાને મળતી ગ્રાન્ટના રપ ટકા કાપી નાખવાનો આદેશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. બગસરા મેઘાણી હાઈસ્કૂલના સાયન્સ વિભાગમાંથી ૪ અને માધ્યમિક વિભાગમાંથી ૧ શિક્ષક ફાજલ થનાર છે. વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં શાળા દ્વારા દરખાસ્ત કરવાની હોય છે પરંતુ શાળાએ આ બાબતની કોઈ ગંભીરતા ન લેતા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. શિક્ષકોને ફાજલ કરવાને બદલે અન્ય વિભાગમાં તેને સમાવવાનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે. શાળાએ સમયસર દરખાસ્ત નહી મોકલી બેદરકારી દાખવવા બદલ શાળાને મળતી ગ્રાન્ટમાં રપ ટકાનો કાપ મુકવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની કચેરીમાંથી જાણવા મળ્યુ છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી તો શા માટે શિક્ષણાધિકારી કચેરીને જાણ કરવામાં ન આવી તે બાબત હવે તપાસનો વિષય બની છે. સંચાલક મંડળ સામે ફાજલ થનાર શિક્ષકોનું હીયરીંગ થયા બાદ હવે આવતીકાલ તા.ર૬ના રોજ શિક્ષણાધિકારી સામે ફાજલ શિક્ષકોનું હીયરીંગ થશે તેમ જાણવા મળ્યુ છે.