ચારેક કલાકના ભારેખમ વાતાવરણને ખાળવા અને મનના ભારને કૈંક હળવો કરવા આખરે દાસભાઇ પલંગ ઉપરથી ઊભા થયા. પત્નીને ઉદ્દેશીને બોલ્યા: “કોકી, હું રોકડિયા હનુમાનજીના દર્શન કરતો આવું. એ કૈંક રસ્તો સૂઝાડશે. લલીનો ફોન આવે તો તેને ધરપત અને હિમ્મત આપજે પણ ડોકટર શું કહે છે તે જરા જાણી લેજે…” ભારેખમ શરીરે ધીમે ધીમે પગલાં ભરતા દાસભાઇ ઓસરીમાં આવ્યા કે કોકીલાએ ડૂસ્કું ભરતા કહી જ દીધું: “લલી ભલે તમારી સાળી રહી પણ તમે તો એને દીકરી જ માની છે. હવે ડોકટર જે કાંઇ કહે, પણ નિમેષકુમારને બચાવી લેવાની ફરજ તમારી છે એને માટે આકાશ પાતાળ એક કરવા પડે તો ભલે પણ મારા બાપા અમારી સૌની જવાબદારી તમારી ઉપર નાખીને ગયા છે એ ભૂલી ન જતા.” “અરે ગાંડી..” દાસભાઇ પાછા વળ્યા અને પુત્રવધૂની હાજરીમાં જ પત્નીને માથે હાથ ફેરવીને કહ્યું: “મેં મારા મરતા સસરાને પાણીની ચમચી હાથમાં રાખીને વચન આપ્યું હતું કે ભલે તમારે દીકરો નથી પણ મારી ચારેચાર સાળીઓનો હું બનેવી નહીં પણ ભાઇ થઇને જ ઊભો રહીશ અને એ ચમચીનું પાણી એમના મોઢામાં રેડતાવેંત જ એમણે ડોકું ઢાળી દીધુ’ તું. તે દિ’ ની ઘડીને આજનો દિ’: હું કે દિ’ મારા વચનમાંથી વિમુખ થયો ઇ બોલ ! ’
‘ એટલે જ… અમે તૂટતા તૂટતા રહી ગયા બાકી તો ચારે દૃશ્યના વાયરા વાયા હોત…” કોકીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી કે પુત્રવધૂએ “મમ્મી…” કરતા તેને સંભાળી લીધી અને દાસભાઇ મંદિરે જઇને દાદાના પગમાં પડી ગયા: “ દાદા વખત કપરો છે, દીકરાએ શેરબજારમાં ગજાબહારનું આંધણ ઓરીને મને ધોઇ નાખ્યો. તું તો જાણે છે કે હવે સાસુવહુ આ ચાર પાપડ બનાવીને પેટિયું રળે છે અને હું ? એક દિ’ મારી દુકાને ચાર ચાર નોકર હતા ઇવડા ઇ નોકરે માંડેલી પાનની દુકાને સોપારી વાતરવા જાઉં છું. દીકરો તો દેવાનો ભાર સહન ન કરી શક્યો ને સખની તાણીને સૂઇ ગયો પણ હું કયાં જાઉં. ટીડડા જેવી પુત્રવધૂ અને દીકરાના બે પહુડિયા ! નહીંતર કદાચ પચાસ લાખનીય જરૂર પડે તો બજારમાં મારી શાખ ને કારણે સાઢુભાઇ નિમેષને જરૂર પડે તો તો અત્યારે અમેરિકા ભેગો કરેત પણ… ઘરમાં નવો પૈસોય નથી અને જવાબદારી લલીના સુહાગના ચાંદલાની છે !!” અને આંસુ ગળા સુધી રેલાયા. બરાબર એ ટાણે પડખે જ, બેસીને દર્શન કરતો ભાવિક કાકાના ચહેરાને તાકી રહ્યો. એમના રડમસ ચહેરાને અને વળી વળીને રોકડિયા હનુમાનજીની મૂર્તિ સામે હાથ લાંબા કરીને કૈંક બડબડાટ કરતા દાસકાકાના મનોભાવનો તાગ કાઢવા તાકી રહ્યો પણ દાસભાઇ તો અત્યારે આખી દુનિયાથી બેખબર હતા. એ તો બસ પ્રાર્થનામાં ડૂબી ગયા હતા. ! કાકા – દીકરો ભલે બોલતા ન હતા પણ ભાવિક કાકાની આ પરિસ્થિતિ સહન કરી શક્યો નહીં. તેને થયું કે કાકા નક્કી કોઇ ભીડમાં છે. તેને થયું કે કાકાને પૂછું પણ… પછી હાથ પાછો પડયો. એ દર્શન કરીને પાછું વળી કાકાના મનોભાવને જાતો મંદિર બહાર નીકળીને કાર લઇને પોતાની ફેકટરી બાજુ નીકળી ગયો. આ તરફ દાસભાઇ થોડા હળવા બનીને ઘેર આવ્યા કે, કોકીલા ધસમસતી આવી ઃ “લ્યો આ ફોન… લલી સાથે વાત કરો. એનો હમણાં જ ફોન આવી ગયો. નિમેષકુમારને મુંબઇ લઈ જવા પડશે. પંદર લાખનો ખર્ચો થશે. “પંદર લાખ ?” દાસભાઇના પગતળેથી જમીન ખસકી ગઇ. પંદર લાખ તો કાંકરાય ભેળા થાય નહીં. એમાં પંદર લાખ રૂપિયા ?!!
‘તમે ગમે એમ કરો. પણ કાંઇક કરો.” કોકીલાએ કહ્યું. “ મારો ચેન છે. બુટિયા કાનમાંથી કાઢી દઉ. ઇ વેચી આવો પણ…” આવી પરિસ્થિતિ દાસભાઈને પત્નીના ભોળપણ ઉપર હસવું આવ્યું: “કોડી, ચેન એક તોલાનો અને બુટિયા આઠ આના ભારના ! વધુમાં વધુ લાખ રૂપિયા માંડ આવે. સોનાનો ઘસારો બાદ થઇ જાય સમજી ?”
“પપ્પાજી…. મારૂં મંગળસૂત્ર શું કામનું છે
હવે ?” પુત્રવધૂએ કહ્યું અને દાસની આંખ છલકાઇ ગઇ. તેણે પુત્રવધૂના માથા ઉપર હાથ મૂકયો: “બસ, બેટા બસ, હવે વધારે કંઇ નહીં બોલતી.” તો પુત્રવધૂએ વિશેષ માહિતી આપી:“ પપ્પા, મારો પિયરનો હાર પણ છે અને ચીંટુ પીંટુના ઓમકાર પણ છે!!.”
“રહેવા દે બેટા, મેં તને કહ્યુંને ?” દાસભાઇ દુઃખી દુઃખી થઇ ગયા. “એક કામ કરોને તમે” કોકીલાએ કહ્યું:“ તમે ભાસ્કરકુમારને, દિલીપકુમારને અને મહેશકુમારને ફોન કરો. અત્યારે ત્રણ ત્રણ લાખની જોગવાઇ કરી આપે પછી…” જવાબમાં દાસભાઇ કોકીલા સામે તાકી રહ્યા અને બોલ્યા: “એકેયના તલમાં તેલ નથી. ત્રણેય સ્વાર્થીના પેટના છે !” “પણ મને વિશ્વાસ છે.” કોકીલાએ કહ્યું: કે દાસભાઇએ જવાબ વાળ્યો:“મેં સારેભલે પ્રસંગે તાગ મેળવી લીધો છે. સોનાની જાળ પાણીમાં નાખવી છે ? છતાં કોકીલાના હઠાગ્રહથી દાસભાઇએ ભાસ્કરને ફોન લગાડયો કે, ભાસ્કરે ગોગા ગાવા માંડયા. દાસભાઇને ગુસ્સો આવ્યો: “ભાસ્કરકુમાર, વરસોથી જમીનની દલાલી કરો છો બેય છોકરાવેય સારૂં કમાય છે. હું તો શેરબજારમાં આવી ગયો બાકી કોઇને બોલાવું એમ નથી. એક ત્રણ લાખની વ્યવસ્થા નથી ?” “વધુમાં વધુ દસ હજાર” ભાસ્કરે હાથ ઊંચા કરી દીધા કે દાસનું કાળજુ કોરાઇ ગયું: ભૂતકાળ યાદ આવ્યો તે દિ’ પુષ્પા જેવી સુંદર છોકરી મેળવવા કોકીલાના કાકા ભાસ્કર માટે કેવી કાકલૂદી કરતા હતા. કયાં પૂષ્પા – કયાં ભાસ્કર ? પણ કોકીલા પીગળી ગયેલી કાકા આગળ. જે દિ’ બાપ મોટા ગામતરે વહ્યો ગયો તે દિ’ એકેય કાકો પડખે ઊભો નહોતો. પણ કોકીલાને આ બધુ કયાં સમજાતું હતું. પણ એ ટાંકણે જ ફસકી ગયો ?” દાસભાઇએ વચલા સાઢુને ફોન લગાડયો તો મહેશ કહે: દીકરી મેડિકલમાં ભણે છે એનો ખર્ચો છે નહીંતર તો ?” જવાબમાં દાસભાઇ કહે કે એ તો ગવર્નમેન્ટ કવોટામાં જ છે ને ? સેલ્ફ ફાઇનાન્સ હોય તો બરોબર છે અને આ તો આપણા સાઢુભાઇઓની ફરજ છે. એલા, રાગિણી જેવી છોકરી તને મળેત નહીં. એ તો મેં જ તારૂ ગોઠવી આપેલું ને ? ” જવાબમાં મહેશ કટાક્ષ ભર્યુ હસ્યો: “એવું નથી સાઢુભાઇ જાડીઓ તો સ્વર્ગમાં બને છે ને ?” “હત તારી…” દાસભાઇએ ફોન કાપી નાખ્યો. ત્રીજા સાઢુભાઇ દિલીપને ફોન લગાડયો વાત કરી તો દિલીપે કહ્યું: “ હું એક પ્લોટ લેવાની વેતરણમાં છું. સસ્તામાં આવે એમ છે એટલે ત્રણનો મેળ કરી રાખ્યો છે નહિંતર તો વળી…” જવાબમાં દાસભાઇએ કહ્યું ઃ “ તારા પૈસા બે મહિનામાં પાછાં. પણ અત્યારે વેળ પડી છે. જાગુ ના નહી પાડે. એની બેનનો સુહાગ છે. ” જાગુએ વાત કરી મને” દિલીપે કહ્યું પણ તમે મને કયારે આપશો ? અત્યારે તો તમે ય ઠનઠન છો. અને બીજુ, જાગુએ જ મને કીધું ’તું કે તમે તરત જ હા નહીં પાડતા. બાપુજીના ખેતરનો વહીવટ તો મોટા બનેવી કરે છે. આટલા વરસોથી કોઇ હિસાબ કિતાબ તો કહેતા નથી. હિસાબ તો તમારી પાસે જમા છે!!” દાસભાઇએ ખિજાઇને કહ્યુ: “ એમાં વીસ વરસથી કાંઇ ઊગ્યું છે તે હિસાબ આપુ ? એલા ખારોપાટ છે એકલો, ચોમાસામાં ગામનાં ઢોર ચરે છે..” પછી કહે: “ પણ વાધો નહીં, હિસાબ ચૂકતે થઇ જશે. બાકી મડદાં ઉપર બેસીને જલેબી ખાવાવાળી સગીબેન આજ પહેલીવાર જાઇ…” એમ કરીને ફોન કાપી નાખ્યો અને બેસી પડયા. “ત્રણે ત્રણ સાઢુનું પેટ જાઇ લીધું ? બધા સ્વાર્થી છે. આ બધા તારા કાકાએ, માસાએ અને ફૈબાએ ચિંધાડેલા રતન ! દાસભાઇનો પૂણ્યપ્રકોપ ફાટી નીકળ્યો: આ ત્રણે ત્રણ સાળીનું કર્યું ત્યારે મને પૂછવાવાટ નહોતી રાખી તેં કે તમારા માતૃશ્રીએ ! બાકી કામ હોય ત્યારે પુરૂષોતમ ! જમવામાં જગલો, ફૂટવામાં ભગલો ! તમારે ત્યાં જયારે જયારે પ્રસંગ આવ્યો છે ત્યારે ત્રણમાંથી એકેય વાંકા નથી વળ્યા. ઇન્સર્ટ કરીને આંટા મારતા હોય. પણ આંખ કયાં ઊઘડી ? અત્યારે તો નિમેષકુમારની જિંદગીનો સવાલ છે તોય એકેયના હાથમાંથી દોઢિયું છૂટતું નથી. આ લાલી (લલિતા)ની સગાઇ માટે મેં બા પાસે કેટલાય ધક્કા ખાધા કહ્યું કે મારો ભત્રીજા. ચોવીસ કેરેટના છોકરાએ પાટુ મારીને પાણી કાઢયુ છે. કર્યું હોત તો ઇ આવે ટાણે ઊભો રહેત પણ તમારી આંખે તો પાટા હતા. આ તે’ દૂરના અમારા કાકા ભત્રીજા વચ્ચે અબોલા થઇ ગયા. હા પાડયા પછી તમે ને બા ફરી ગયાને, તેનું દુઃખ છે !!” દાસભાઇ નિરાશ થઇ બેસી પડયા અને કોકીલા આંસુ પાડતી રહી.
બરાબર ત્યાં જ ફોન રણક્યો. કોકીલા બોલી ઉઠી: “જુઓ જુઓ ભાસ્કરકુમારનો જ ફોન હશે. પૈસાની વ્યવસ્થા કરી જ નાખી હશે !! “ધૂળ ભાસ્કરનો ફોન…” દાસભાઇએ અજાણ્યો નંબર જોઇને કહ્યું: “હાજી બોલો..” સામે છેડેથી બોલાયું: “કાકા, હું ભાવે…” “ભાવે…શ?” દાસભાઇથી એટલું તો માંડ બોલાયું અને ફોન ઉપર જ રડી પડયા તો ભાવેશે કહ્યું:“ કાકા, રડો નહીં મને બાપુજીએ બધી વાત કરી છે. તમે બધાને વાત કરતા હતા એ પણ ખબર છે હવે કોઇને ફોન નહીં કરતા. મારો માણસ પૈસા અને અર્ટીગા લઇને આવે છે. તમે તમારા સાળીને કહી દો, કે મુંબઇ જવાની તૈયારી કરે. ત્યાં ડો. ગુપ્તા સાથે એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે. તમારે ને મારા કાકીએ ખાલી ગાડીમાં બેસી જવાનું છે બાકી બધી જ વ્યવસ્થા મેં કરી દીધી છે. ફોન સ્કપિર પર હતો. કોકીલા અને દાસભાઇની આંખમાંથી આંસુની નદી વહી રહી હતી !! (સમાપ્ત)