પાકિસ્તાન ટ્રેન હાઇજેકઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન હજુ પણ બલુચ બળવાખોરોના નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ બંધકોને મુક્ત કરી શકાયા છે પરંતુ ૧૦૦ થી વધુ બંધકો હજુ પણ બલૂચ આર્મીની કસ્ટડીમાં છે. ટ્રેન અપહરણની ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે પાકિસ્તાન સરકારે ક્વેટા માટે રેલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ દરમિયાન, બલૂચ આર્મીએ ટ્રેન હાઇજેકિંગ સમયનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જાઈ શકાય છે કે જાફર એક્સપ્રેસ સામાન્ય રીતે આગળ વધી રહી છે. આ દરમિયાન, ટ્રેનને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવે છે. ધડાકા પછી ટ્રેન ઉભી રહે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક થયાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે. બંધકોને છોડાવવા માટે પાકિસ્તાન સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
તમને જણાવી દઈએ કે, જાફર એક્સપ્રેસ મંગળવારે સવારે લગભગ ૯ વાગ્યે પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. આ ટ્રેન બપોરે ૧.૩૦ વાગ્યે સિબી પહોંચવાની હતી પરંતુ તે દરમિયાન બોલાન નજીક હુમલો થયો. જે વિસ્તારમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી તે ડુંગરાળ વિસ્તાર છે. અહીં ઘણી બધી ટનલ છે જેના કારણે ટ્રેનની ગતિ ધીમી કરવી પડી હતી. આનો ફાયદો ઉઠાવીને, મ્ન્છ એ એન્જીનને નિશાન બનાવ્યું અને વિસ્ફોટ કર્યો, જેના પછી ટ્રેન રોકાઈ ગઈ. આ હુમલો સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો છે. આ આખો વિસ્તાર ટેકરીઓ અને સુરંગોથી ઘેરાયેલો છે, જેના કારણે અહીં મોબાઇલ નેટવર્ક નથી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પડકારો છતાં સેનાનું મનોબળ અકબંધ છે.