બાંગ્લાદેશમાં આશ્રય લઈ રહેલા ૮ લાખ રોહિંગ્યા મુસ્લીમોની યાદીમાંથી, મ્યાનમારે ૧.૮ લાખ શરણાર્થીઓને પરત ફરવા માટે લાયક ગણાવ્યા છે. બેંગકોકમાં આયોજિત છઠ્ઠા બ્રિમ્સટેક સમિટ દરમિયાન મ્યાનમારના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન યુ થાન શ્યો અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના પ્રતિનિધિ ખલીલુર રહેમાન વચ્ચેની બેઠક દરમિયાન આ માહિતી પ્રકાશમાં આવી. બાંગ્લાદેશે ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન છ તબક્કામાં ૮ લાખ રોહિંગ્યા શરણાર્થીઓની યાદી મ્યાનમારને સોંપી હતી. આમાંથી ૧.૮ લાખ લોકોને હવે મ્યાનમાર પાછા ફરવા માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.
મ્યાનમારે અત્યાર સુધીમાં કહ્યું છે કે ૭૦,૦૦૦ રોહિંગ્યાઓના ફોટા અને નામોની વધારાની ચકાસણી બાકી છે, જ્યારે બાકીના ૫.૫ લાખ શરણાર્થીઓની ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર કાર્યાલયે તેને રોહિંગ્યા સંકટના લાંબા ગાળાના ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આ પહેલી વાર છે જ્યારે મ્યાનમારે આટલા મોટા પાયે રોહિંગ્યાના પાછા ફરવાની પુષ્ટિ કરી છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલા સંકટના ઉકેલની આશા જાગી છે.
મ્યાનમારના વિદેશ મંત્રીએ કહ્યું કે બાકીની ચકાસણી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. બાંગ્લાદેશે રોહિંગ્યાઓની સુરક્ષિત અને સ્વૈચ્છીક વાપસી માટે મ્યાનમાર પર દબાણ જાળવી રાખવા હાકલ કરી છે. ૨૦૧૭ માં, મ્યાનમાર સેનાના અત્યાચારો પછી, લગભગ ૧૦ લાખ રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયના સતત દબાણ છતાં, તેમના પરત ફરવાની પ્રક્રિયા અત્યાર સુધી અટકી પડી હતી.
બાંગ્લાદેશ સરકારના નેતૃત્વમાં ૨૦૨૫-૨૬ માટે એક સંયુક્ત પ્રતિભાવ યોજના પણ શરૂ કરવામાં આવી છે, જે રોહિંગ્યા અને સ્થાનિક સમુદાયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર અને તેના ભાગીદાર સંગઠનોએ આ માનવતાવાદી કટોકટીમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાનો ટેકો ચાલુ રાખવા અપીલ કરી છે.