એકવીસમી સદીના આક્રમક હિન્દુત્વએ નપુંસક અને દોગલા એમ બે હિન્દુઓની એક કતારને મૂળ હિન્દુથી અલગ પાડી દીધી છે. દુનિયાના કોઈપણ ખૂણે થતા બે કોમ વચ્ચેના ફસાદમાં હિન્દુદ્વેષના દ્રષ્ટિકોણ દ્વારા હિન્દુને અપરાધી ગણી લેવાની એક ફેશન પ્રચલિત થઇ ગઈ છે. ભારતમાં અને ભારતમાંથી ભાગીને વિદેશમાં બેઠેલા આ ખાસ જીવાણુઓ દુનિયાના દરેક ખૂણે મળી આવે છે જે હિન્દુઓને જ્ઞાન પીરસવા માટે સતત ઉત્તેજિત રહે છે. આ દ્વેષ હિન્દુઓના એક ખાસ વર્ગમાં ચામડી નીચે સોરાયસીસ રોગની જેમ સતત સળવળી રહ્યો છે. હિન્દુઓને ઉપદેશ આપવાનો કે અપમાનબોધ કરાવવાનો એક પણ મોકો આ લોકો છોડતા નથી. વર્ષોથી આ એક આખી ઇકો સિસ્ટમ ખુબ સિફતપૂર્વક ચાલી રહી હતી. ભારતમાં એમને પનપી જવા માટે એમના રાજકીય આકાઓએ નરમ જમીન ખાતર-પોતર સાથે હમેશા તૈયાર રાખી હતી. આ આખી સિસ્ટમને હિન્દુ પુનઃજાગરણે તેને સપાટી પર લાવી દીધી છે. હિન્દુસ્તાનમાં વીસમી સદીના અંત ભાગથી શરુ થયેલ હિન્દુ પુનઃજાગરણ આ સદીની શરૂઆતમાં રામમંદિર નિર્માણ જેવો ઐતિહાસિક સફળતાનો માઈલસ્ટોન પ્રાપ્ત કરી ચુક્યું છે. દેશ અને દેશની બહાર એમના આદરમાન વધ્યા છે. સાવરકર કહી ગયા હતા તેવું કોટ પર જનોઈ પહેરી શકાય એવું હિન્દુત્વ ઉદય થયું છે. તેના પરિણામે સતત નિષ્ફળ ફિલ્મો આપતા અને પોતાના ક્ષેત્રમાંથી વજૂદ ગુમાવી ચુકેલા તેમજ વારે વારે હિન્દુસ્તાનમાં અસુરક્ષિત મહેસૂસ કરતા ફિલ્મી નટો અને નટીઓ, ચેનલમાંથી હાંકી કઢાયેલા ખાસ ચશ્માં અને ચોળાયેલા ઝભ્ભા પહેરતા અને મોડી રાતની પાર્ટીઓમાં બે બટકા માટે રાજકારણીઓની ઇર્દગીર્દ ઘૂમતા પત્રકારો, જેના સંગઠનો પર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને લઈને પ્રતિબંધ લાગી ગયા છે એવા જામીન પર રહેલા કાબરચીતરી દાઢીવાળા વામપંથી સમાજસેવકો, દર મહિને દેશના કોઈને કોઈ ખૂણે ચૂંટણી હારતા રાજકીય પક્ષના પોણીયા નેતાઓ અને તેમના પરિવારો ખુલીને મેદાનમાં આવી રહ્યા છે. એમનું દર્દ હઠીલા ગુમડાની જેમ વકરી રહ્યું છે. એવી જગ્યાએ ચચરી રહ્યું છે કે જાહેરમાં વલૂરી શકે તેમ પણ નથી. હિન્દુઓની સહસ્ત્ર વર્ષોની આસ્થાને ઠોકર મારી મારીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહેલ રાજકીય પક્ષ, સંસ્થા કે વ્યક્તિ વિશેષની દુકાન બંધ થઇ રહી છે. ઠોકર ખાઈને મૂંગી પડી રહેતી આસ્થા હવે પ્રતિકાર કરી રહી છે. ઘણી વખત પ્રતિકાર સાથે પ્રતિશોધ પણ આવી રહ્યો છે. ઉપરોક્ત યાદીવાળાઓ આ જવાબો માટે ટેવાયેલા નહોતા એટલે એમનું બઘવાઈ જવું સ્વાભાવિક હતું. ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ એ ભારતનો દરેક હિન્દુ માને છે, સમજે છે. મોજૂદા સરકાર એ બાબતે સભાન હોય એ પણ દેશનો સરેરાશ નાગરિક માને છે. પણ ‘ઓલ આઈઝ ઓન રફાહ’ સમયે ઉત્તેજિત થઈને દુનિયા માથે લેનારા જંતુઓ ‘ઓલ આઈઝ ઓન ઢાકા’ વખતે પોતપોતાના દરમાં પેસી ગયા છે. એમનું ચોક્કસ મુદ્દાઓ પરનું દોગલાપણું અભૂતપૂર્વ છે. વડાપ્રધાનના એક ઉદ્યોગપતિ સાથે સબંધ સ્થાપિત કરવા સારું આખી સંસદ માથે લેતા અને ઠપ્પ કરી દેતા વિપક્ષો બાંગ્લાદેશી હિન્દુઓ બાબતે સરકારને નહિ ઘેરે. વડાપ્રધાનને બીજા કોઈપણ મુદ્દે ઘેરવામાં વ્યસ્ત વિપક્ષ આવડા મોટા સરહદી જોખમ સામે ચૂપ રહેશે કારણ કે તેઓ કોઈ ખાસ વર્ગને નારાજ કરવા માંગતા નથી. તેઓ દેશના હિન્દુઓ પ્રત્યે લાગણી નથી ધરાવતા તો બાંગ્લાદેશનો હિન્દુ એમના માટે થર્ડ પાર્ટી જ ગણાય. એમની બટકણી સહિષ્ણુતા અને સેક્યુલારિઝમની આ મજબૂત બાજુ છે. આ તરફથી ક્યારેય એ બટકતી નથી કે આહત નથી થતી. બીજી બાજુ પીંછા જેવા ભારથી પણ તરત જ બટકી જાય છે. સાપમાં એક પ્રજાતિ આવે છે, આંધળી ચાકળ… ખરેખર જે આંધળી નથી, પણ આંધળી દેખાય છે. તેને તેના દેખાવના આધારે બે મોઢાવાળો સાપ પણ કહે છે. આ બિલકુલ એ પ્રજાતિના સાપને મળતી આવતી પ્રજાતિઓ છે. બાંગ્લાદેશની હાલની સ્થિતિ જોતા બીજું પાકિસ્તાન બનવા તરફ ઝડપભેર ગબડી રહ્યું છે. સરકાર ઉથલાવીને નવી સરકાર બનાવવા અને નવી સરકાર આવતા હિન્દુઓ પ્રત્યે શરુ થયેલ અસહિષ્ણુતા આખી દુનિયા જોઈ રહી છે. સરકાર બદલતા જ હિન્દુ મુસ્લિમ વિગ્રહના નિશાન ચડી ગયા છે. આખા દેશમાં હિન્દુ અને મંદિરોને નિશાન બનાવીને હુમલાઓ થઇ રહ્યા છે. હિન્દુ ધર્મગુરુઓને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. વિશ્વના ઘણા દેશોની સંસદમાં આ અંગે અવાજો ઉઠી રહ્યા છે. આ બાબત સૌથી વધુ ભારતને અસરકર્તા છે. બાંગ્લાદેશની મોટી સરહદ પશ્ચિમ બંગાળને સ્પર્શે છે. ત્યાની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની નીતિઓ સાથે સંમત નથી એ છાસવારે પ્રગટ થતું રહે છે. પોતાની રાજ્ય સરકાર બચાવવા એ દેશહિતને સામેના છાબડે મૂકી દે એ બહુ શંકા કરવા જેવું નથી. આવા સમયે જે હાલ પાકિસ્તાનમાં હિન્દુઓના થયા એ બાંગ્લાદેશમાં ન થાય એ જોવાની જવાબદારી ભારતની છે. ભારતની સરકાર એ બાબતે ચિંતિત હશે પણ ખરી. ભારતમાં ચૂંટાયા બાદ દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારીના આશીર્વાદ લેવા જનાર અને નમાઝ માટે શુક્રવારે દોઢ વાગ્યે ગૃહની કાર્યવાહી થંભાવી દેનાર કરોડરજ્જુ વિનાની નેતાગીરીનું હિન્દુસ્તાન સાક્ષી છે. સાંપ્રદાયિક અને લક્ષિત હિંસા અધિનિયમ-૨૦૧૧ નામે એક બીલ આવ્યું હતું જેનો સાર એવો હતો કે કોમી હિંસા માત્ર બહુમતી સમાજ જ ભડકાવે છે. લઘુમતી સમુદાયની કોઇ પણ વ્યક્તિ હિંસા માટે જવાબદાર નથી. બહુમતી સમાજના સભ્યને લઘુમતીઓના વિરોધમાં હિંસા આચરવા બદલ દંડ સજાની જોગવાઇ હતી. પરંતુ આઘાતજનક વાત તો એ હતી કે લઘુમતી સમુદાયના સભ્ય બહુમતી સમુદાયની સામે હિંસા આચરે તો તે અપરાધ દંડનીય નથી. આ બીલ પસાર કરાવી દેવાની માનસિકતા બહુમત હિન્દુ સમાજ કે બાંગ્લાદેશી હિન્દુ વિશે વિચારે એ વાત ગળે ઉતરે એવી નથી.
ક્વિક નોટ – ઈશ્વર વિનાના વિશ્વની જવાબદારી મનુષ્ય ઉપાડી શકશે ? – જ્યોં-પોલ સાર્ત્ર