બાંગ્લાદેશ હાલ સાંપ્રદાયિક આગમાં ભભૂકી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. આવામાં અમેરિકાથી એક મોટું નિવેદન આવ્યું છે. જેમાં કહેવાયું છે કે બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફરી રહ્યા છે. યુએસ કમીશન ઓફ ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ) ના પૂર્વ કમિશનર જ્હોની મૂરે કહ્યું કે અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. હાલનો સમય બાંગ્લાદેશના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તીત્વ પર જોખમની જેમ છે. પરંતુ હવે ટ્રમ્પ આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઉત્કૃષ્ટ ટીમ સાથે પદ સંભાળશે. તેમની આ ટીમ અમેરિકી મૂલ્યોની પેરવીકાર છે અને ભારતને એક સહયોગી તરીકે જૂએ છે. મૂરે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે હાલની અમેરિકી સરકારનું બાંગ્લાદેશ પર વધુ ધ્યાન નથી. પરંતુ તથ્ય એ છે કે અમેરિકામાં સરકાર બદલવા જઈ રહી છે. જેમની બેજાડ વિદેશ નીતિ હશે. પરંતુ હું એ કહી શકું છું કે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં વાપસી કરી રહ્યા છે અને અમેરિકી મૂલ્યોથી છલોછલ તેમની ટીમ એક સારા ભવિષ્ય માટે કામ કરશે. ટ્રમ્પની આ ટીમ ભારતને એક જરૂરી સહયોગી તરીકે જુએ છે. હાલ દુનિયાભરમાં ૫૦થી વધુ જંગ ચાલી રહી છે.
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા વચ્ચે અમેરિકાના વલણ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમને એ પૂછવામાં આવ્યું હતું કે આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર બાઈડેન સરકારની સરખામણીમાં શું અલગ કરશે? જેના પર તેમણે કહ્યું કે દુનિયામાં એવો કોઈ પડકાર નથી જેને ઉકેલી ન શકાય.
તેમણે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ધાર્મિક સ્વતંત્રતા માનવાધિકારોમાં ટોચની પ્રાથમિકતા હતી. આ અનેક રીતે અમારી વિદેશ નીતિનું કેન્દ્ર હતી. આ વખતે પણ તમને આવું જ જોવા મળશે. તમને અમેરિકા અને ભારત વચ્ચે આવો સહયોગ જોવા મળશે જે અત્યાર સુધી જોવા નહતો મળ્યો.
અત્રે જણાવવાનું કે હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસને દેશદ્રોહના આરોપમાં ૨૫ નવેમ્બરના રોજ ધરપકડ કરાયા હતા. બાંગ્લાદેશની કોર્ટે તેમને જામીન ન આપ્યા અને જેલમાં મોકલી દીધા. ત્યારબાદ ચિન્મય દાસના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડીને બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અને તેમને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલો બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકોને સતત નિશાન બનાવવામાં આવવા વચ્ચે સામે આવ્યો છે. અલ્પસંખ્યકોના ઘરો અને વેપારી પ્રતિષ્ઠાનોમાં આગચંપી અને લૂટફાટની સાથે સાથે ચોરી અને તોડફોડ તથા હિન્દુ મંદિરોને અપવિત્ર કરવાના અનેક મામલાઓ સામે આવ્યા છે.