હાલનાં સમયમાં એવું તારણ કાઢવામાં આવેલ છે, કે બાગાયતી પાકો જેમ કે, ફળ, ફૂલ, સુશોભન, શાકભાજી, તેજાના મસાલાઓ તેમજ ઔષધિય અને સુગંધિત વનસ્પતિઓનું ઉત્પાદન વધારવા માટે બાગાયતી પાકો ધરાવતો વિસ્તાર વધારવો જોઈએ. જયારે, આ વિસ્તાર વધારવા માટે સારી ગુણવત્તાવાળી વંશાવલી ધરાવતા રોપા કે જે કોઈ પણ પાકનાં વાવેતર માટે અગત્યનો પ્રાથમિક ભાગ છે તેનો પૂરતા પ્રમાણમાં અભાવ હોવો એ મોટો અવરોધ છે, જેના કારણે નર્સરીની અગત્યતા સમજી શકાય છે. મોટા ભાગનાં કૃષિ પાકોની સરખામણીએ બાગાયતી પાકોને સ્થાપિત કરવા માટે લાંબા સમયગાળાનું રોકાણ કરવું પડે છે અને શરૂઆતમાં થયેલ ભૂલને પછીનાં તબક્કામાં સુધારવી સરળ રહેતી નથી. આથી સારી ગુણવતાનાં રોપાની ઉપલબ્ધતા એ બાગાયતી પાકોના વ્યવસ્થાપન માટે મૂળ પાયો છે. હાલનાં સમયનાં મોટા ભાગનાં ફળબાગો નીચી ગુણવત્તાવાળા રોપાઓમાંથી સ્થાપિત થયેલ છે. તેથી ઉચ્ચ કક્ષાની વંશાવલી ધરાવતા રોપાઓનો ઉપયોગ એ બાગાયતી ઉદ્યોગની સફળતા માટે સૌથી વધુ આવશ્યક છે. નર્સરી એક એવી જગ્યા છે જ્યાં બીજ કે અન્ય વાનસ્પતિક ભાગોમાંથી બનાવેલ નાનામોટા ઝાડનાં રોપાઓ તથા એ સંબંધિત અન્ય સામગ્રીઓનો ઉછેર કરવામાં આવે છે તથા જ્યાં સુધી તેનું વેચાણ થઈને કાયમી રીતે કોઈ જગ્યાએ રોપવામાં આવે ત્યાં સુધી તેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.
નર્સરીનું મહત્વ
* નર્સરીમાં તરુણ છોડની સરળતાથી સંભાળ રાખી શકાય છે. આવી જ રીતે ખેતર કરતા નર્સરીમાં નાનાં અને કુમળા રોપાઓની આગળનાં તબક્કાએ સંભાળ રાખવી સરળ રહે છે.
* વાનસ્પતિક રીતથી બનેલા રોપાઓ માટે ખેતરમાં ધરું રોપણ કર્યા પહેલા વિશેષ પ્રકારની કુશળતા અને કાળજીની જરૂર પડે છે જે નર્સરીમાં સરળતાથી કરી શકાય છે.
* ઘણા પાકો જેમ કે, પપૈયા, ટામેટાં, કોબીજ, વગેરેનાં નર્સરીમાં બનેલ ધરૂની પ્રત્યારોપણની સરખામણીએ ખેતરમાં સીધી વાવણી કરવાથી યોગ્ય પ્રતિક્રિયા આપતા નથી.
* વિવિધ બાગાયતી પાકોની કલમમાં પૂરતા પ્રમાણમાં મૂળનાં વિકાસ માટે વધુ સારી કાળજી લેવા પ્રથમ તેનું નર્સરીમાં વાવેતર કરવામાં આવે છે.
* રોપાઓ અને કલમોને કાયમી જગ્યાએ સ્થાપિત થઈ શકે તે માટે તેને અનુકૂળ બનાવવા માટે નર્સરી એ પૂર્વ સારવાર માટેની જગ્યા છે.
* કુદરતી આપત્તિઓ સામે રોપાઓને પરિપક્વ બનાવવા માત્ર નર્સરીમાં જ શક્ય છે.
નર્સરીના પ્રકારો
૧. વિસ્તાર અને હેતુ આધારિત નર્સરીનાં પ્રકારોઃ ઘરગથ્થું નર્સરી, વ્યવસાયિક નર્સરી.
૨. વ્યવસાયના સ્વભાવ આધારિત નર્સરીનાં પ્રકારોઃ જથ્થાબંધ નર્સરી, છૂટક વેચાણ માટેની નર્સરી, પ્રાકૃતિક નર્સરી, સંસ્થા દ્વારા સંચાલિત નર્સરી.
૩. વનસ્પતિનાં પ્રકાર આધારિત નર્સરીનાં પ્રકારોઃ ફળઝાડની નર્સરી, શાકભાજીનાં પાકો માટેની નર્સરી, સુશોભિત વનસ્પતિઓની નર્સરી, ઔષધિય તથા સુગંધિત વનસ્પતીઓની નર્સરી, વનવિભાગ નર્સરી, હાઈ-ટેક નર્સરી.
નર્સરીનું આયોજન અને ગોઠવણી
નર્સરીની સ્થાપના માટેનાં વિસ્તારની પસંદગી કરવા માટે નીચે આપેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાઃ
* જ્યાં પાણીનો ભરાવો થતો ન હોય અને વધારાનાં પાણીનો નિકાલ કરવાની સારી વ્યવસ્થા હોય એવાં વિસ્તારમાં નર્સરી ઊભી કરવી જોઈએ.
* નર્સરી માટેની જમીન સારી નિતારશક્તિવાળી અને ઉચ્ચ સ્તરીય હોવી જાઈએ.
* નર્સરી માટેની જમીન ગોરાડું રેતાળ અને સામાન્ય પી.એચ. (૬.૫-૭.૦ ની આસપાસ)ની હોવી જોઈએ.
નર્સરીની સ્થાપનાને અસર કરતા પરિબળો
(૧) નર્સરી માટે પસંદ કરેલ જગ્યા
(૨) વીજળી અને પાણીનો પુરવઠો
(૩) જમીન અને હવામાન
(૪) ખાતર
નર્સરીનાં પ્રમાણીકરણની જરૂરિયાત
જે કોઈ પણ વ્યક્તિ વનસ્પતિ, વાનસ્પતિક પેદાશો કે તેની સાથે સંકળાયેલ અન્ય સામગ્રીનાં વિતરણ સાથે સીધા સંકળાયેલ છે, તેણે તેના કાર્ય વિશે સંબંધિત ખાતામાં જાણ કરવી આવશ્યક છે. તેણે આ વ્યવસાય ચાલું કર્યા પહેલા નર્સરી ઉદ્યોગ પ્રમાણપત્ર મેળવવું જોઈએ અને દરેક વર્ષે તેનું નવીનીકરણ કરાવવું જરૂરી છે, જેથી તે આ કાર્યમાં રહી શકે. જે તે ખાતા દ્વારા કાઢી આપેલું નર્સરી ઉદ્યોગ પ્રમાણપત્ર માત્ર એક વર્ષ માટે જ માન્ય રહે છે.