ગુજરાત રાજયને ભૌગોલિક ચાર ભાગમાં જાવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બાગાયતી પાકોમાં આંબા, ચીકુ જેવા ફળપાકો અને શેરડીની ખેતીમાં ખેડૂતોને પિયત, જમીન અને આબોહવા સારી હોવાથી સારૂ ઉત્પાદન મળે છે. જયારે દક્ષિણ ગુજરાતમાં ફૂલપાકો અને ગ્રીન હાઉસ, નેટ હાઉસ પણ સફળ રહ્યા છે. જયારે મધ્ય ગુજરાતમાં મહત્તમ કેળા અને તમાકુનો પાક જમીન અને આબોહવાને અનુકૂળ છે. જયારે ઉત્તર ગુજરાતમાં કપાસ, મગફળી, જીરૂ, રાયડો, એરંડા જેવા પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં કપાસ, મગફળી, ઘઉં, ચણા, જીરૂ, બાગાયતી પાકોમાં આંબાના બગીચાઓ આવેલા છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, ગુજરાતના ખેડૂતો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ સાથે દેશ-વિદેશના પાકોનું આજે ગુજરાતમાં સફળ અખતરાઓ પછી વાવેતર કરી રહ્યા છે. કચ્છમાં ખારેક, દ્રાક્ષ, સફરજન જેવા વાવેતર સફળ રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખારેક સહિતના નવા પાકોનું વાવેતર સફળતા પૂર્વક થઈ રહ્યુ છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની કૃષિ લક્ષી અનેક યોજનાઓનો લાભ ખેતીમાં ઉપયોગી બન્યો છે. સૌરાષ્ટ્રના ઝાલાવડની ધરતીના ખેડૂતોએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવી છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવડી ગામના પ૦ વર્ષીય સાત ચોપડી ભણેલા કાશીરામભાઈ કરશનભાઈ પટેલનું ભણતર ભલે ઓછું હોય પરંતુ ગણતર ખુબ ઉંચુ છે. પોતાની ખેતીમાં આધુનિક પરિવર્તન લાવીને પોતાની ૪૦ એકર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરેલ છે.
ર૦ વિઘા જમીનમાં કશીરામભાઈ પટેલે દાડમની ખેતી કરી છે. આજથી ચાર વર્ષ પહેલા મહારાષ્ટ્રથી ભગવા સિંદુરી વેરાવટીના ૩પ૦૦ રોપાનું વાવેતર કરેલુ હતું. જેમા ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા સહાય પણ મળી છે. વાવેતર માટે રૂ.૪ લાખ જેવો ખર્ચ થયેલો.
ચાર વર્ષ પહેલા વાવેતર કરેલ દાડમની ખેતીમાં પ્રથમ વર્ષે પ૦ ટન ઉત્પાદન આવેલ જયારે બીજા વર્ષે ૮૦ ટન ઉત્પાદન આવેલ. આપણે આ ખેડૂતની સફળતાની ગાથા લખી રહ્યા છીએ ત્યારે આ વર્ષની વીણી તૈયારી થઈ ગઈ છે. ટૂંક સમયમાં દાડમ માર્કેટમાં આવે છે. વાડી બેઠા પ૦થી ૭૦ રૂપિયે કિલોના ભાવે વેચાણ કરે છે. આ ત્રીજા ફાલ છે.
જયારે જામફળ તાઈવાન પિન્ક અને રેડ ડાઈમંડનું વાવેતર કરેલ છે. ૩૦ વિઘા જમીનમાં ૧ર૦૦૦ જેટલા તાઈવાન પિન્ક જામફળનું વાવેતર કરેલ છે. તેમાં પણ રાજય સરકારની બાગાયત ખાતરની સહાયનો લાભ લીધો છે. જયારે ગુજરાત માટે જામફળ રેડ ડાઈમંડની નવી વેરાઈટી માર્કેટમાં આવી છે. જેમાં એક રોપના ભાવ રૂ.૧પ૦ રેડ ડાયમંડ જામફળના ર૯૦૦ રોપાનું વાવેતર કરેલ છે. રેડ ડાઈમંડ જામફળ વિષે વાત કરતા કાશીરામભાઈ પટેલ કહે છે, આ વેરાઈટીના જામફળ સ્વાદમાં ખૂબ સ્વીટ હોય છે. અને ટ્રાન્સપોર્ટેશન માટે અનુકૂળ જાત છે.
કાશીરામભાઈ પોતાના બાગાયતી ફાર્મમાં રોજ ર૦થી રપ લોકોને રોજગારી આપે છે. ખેતી એ સ્કીલ્ડ અને અન સ્કીલ્ડ લોકોને સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે. ગયા વર્ષે દાડમ અને જામફળમાંથી ખર્ચ બાદ કરતા ર૦ લાખ જેવી પરસેવાની આવક ખેડૂતને થઈ છે.
ગુજરાતના ખેડૂતોએ ચિલાચાલુ ખેતી છોડીને નવા આધૂનિક આયામો સ્વીકારવા પડશે. ઉપરાંત આધુનિક ખેતી અપનાવવી પડશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી યુવા, ખેડૂત અને મહિલાઓના વિકાસ થકી ભારતનો વિકાસ કરે છે. જે દિશા તરફ નીતિઓ બની રહી છે. ત્યારે આગામી સમય ખેતીનો સારો આવશે. એકસમાન વાવેતરથી દૂર થવુ પડશે. અલગ અલગ વાવેતર અપનાવવા પડશે. પ્રગતિશીલ ખેડૂત કાશીરામભાઈ પટેલ જેવા ખેડૂતો
પાસેથી માર્ગદર્શન મેળવવા માટેનો જેનો સંપર્ક
નં.-૬૩પ૧ર ૯ર૪૮૪ છે.
-ઃતિખારોઃ-
પશુ, પંખી, પ્રાણીઓ માર ખાઈને વફાદાર રહે છે. જયારે માણસ બધુ મેળવીને ગદ્દાર નીકળે છે.