અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આવેલી પ્રાચીન શ્રી બાલમુકુન્દ હવેલીમાં જન્માષ્ટમી પર્વની અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૩૫૦ વર્ષથી આ સ્થળે બિરાજમાન પુષ્ટિમાર્ગીય પરંપરાના નિકુંજનાયક શ્રી બાલમુકુન્દ પ્રભુના જન્મોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. ઉત્સવની શરૂઆત “નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલકી” થીમ આધારિત નંદ મહોત્સવથી થઈ. કીર્તન અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી, જેમાં સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી બાલમુકુન્દ હવેલી ટ્રસ્ટના પદાધિકારીઓ, યુવા કૃષ્ણ ગ્રુપના સભ્યો અને મુખ્યાજી પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્સવની વ્યવસ્થા અને આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉત્સવના અંતે સૌ ભક્તોને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો, જેમાં ગામના લોકો અને દૂરથી આવેલા વૈષ્ણવ ભક્તોએ ભાગ લીધો અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.