બાબરામાં વેપારીઓ અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન છે. આ બાબતે વેપારી મહામંડળ ટ્રસ્ટ – બાબરાએ બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, બાબરા શહેરમાં ધંધો કરતા વેપારી ભાઈઓને અસામાજિક તત્વો ખોટી રીતે હેરાન-પરેશાન કરે છે. આવા તત્વો નાના-મોટા વેપારીઓની દુકાનો પર જઈને રોફ જમાવે છે અને વેપારીઓએ તેમની પાસેથી નીકળતી નાની-મોટી ઉઘરાણી પણ છોડી દેવી પડે છે. તેમ છતાં, આ તત્વો વેપારીઓને હેરાન કરવામાં કોઈ કસર છોડતા નથી. આવા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ. જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બાબરામાં લુખ્ખાગીરી વધતી જશે અને વેપારીઓને નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.