બાબરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમરેલી જિલ્લા અને બાબરા તાલુકાના ગામડાઓમાં કૃષિ પેદાશોને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં, ભારતીય કિસાન સંઘના બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ. પાનશેરીયા અને અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ સરકાર અને જનપ્રતિનિધિઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ખેડૂતોના કપાસ, મગફળી, તલ, સોયાબીન, શાકભાજી અને અન્ય તમામ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો સખત મહેનત કરીને પાક તૈયાર કરે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે તેમની મહેનત નિષ્ફળ જાય છે, જેથી તેઓ નિઃસહાય અને નિરાધાર બની જાય છે. ભારતીય કિસાન સંઘે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ સહાય પેકેજ જાહેર કરે. આ રજૂઆત ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને દંડક કૌશિકભાઈ વેકરીયાને કરવામાં આવી છે.