બાબરા શહેરમાં ખાખી વર્દીના આશીર્વાદથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને બેનંબરી ધંધાઓ ધમધમી રહ્યા છે, તેવો આક્ષેપ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશ નાકરાણીએ કર્યો છે. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાબરા શહેર અને તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. બાબરા પંથકમાં દારૂનું દૂષણ મોટા પાયે વધ્યું છે. તાજેતરમાં સરકારે ગુનેગારો સામે જે કાર્યવાહી કરી છે તેવી જ કાર્યવાહી તાલુકા પંથકમાં પણ થવી જોઈએ તેવી રજૂઆત જગદીશભાઈ નાકરાણી દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર દ્વારા બાબરા શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે. પોલીસ તંત્ર રાત્રે વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવે છે અને બાબરા પંથકમાં ખનીજચોરી પણ બેફામ બની છે. પોલીસ ગામની બહાર ઊભા રહીને વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવે છે.બાબરા શહેરમાં સાંજ પડે એટલે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચવા નીકળી પડે છે, તેવો આક્ષેપ પણ જગદીશભાઈ નાકરાણીએ કર્યો છે.